સુરતમાં 100થી વધુ મહિલાઓએ હાથમાં પેડ લઈને પેડમેન નિહાળી
, શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (14:17 IST)
અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીઝ થઈ છે ત્યારે સુરતના પેડ કપલ તરીકે ઓળખાતા મહેતા દંપતિએ સ્લમ વિસ્તારની ૧૨૫ મહિલાઓને આ ફિલ્મ બતાવી છે. આ મહિલાઓને સુરતના પેડ કપલે સેનિટરી પેડ આપી જાગૃત કર્યા હતા. સેનિટરી પેડ એ મહિલાઓના આરોગ્ય માટે પણ ખૂબ જ જરૃરી છે. પેડ કપલ તરીકે જાણીતા બનેલા સુરતના મહેતા દંપત્તિ પાંચ વર્ષથી દર મહિને ૫૦૦૦થી વધુ સેનિટરી પેડનું વિતરણ કરે છે સુરતના ભટાર વિસ્તારમાં આવેલા થિયેટરમાં અક્ષયકુમારની બહુચર્ચિત ફિલ્મ પેડમેન જોવા ખાસ સ્લમ વિસ્તારની મહિલાઓ ખાસ લાલ રંગના પરિધાનમાં હાજર રહી હતી. સેનિટરી પેડ ખરીદવું એ આ સ્લમ વિસ્તારની મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલ બાબત છે. કારણ કે આર્થિક તંગીના કારણે તેઓ સેનિટરી પેડ ખરીદી શકે એમ નથી અને બીજી તરફ આ વસ્તુના કારણે મહિલાઓ શરમ અને સંકોચ પણ અનુભવે છે. આવી મહિલાઓને સુરતના મહેતા દંપતિ છેલ્લા પાંચ વર્ષથી સેનિટરી પેડનું વિતરણ કરે છે. દર મહિને ૫૦૦૦ થી વધુ સેનિટરી પેડ આપનાર મહેતા દંપતિને પેડમેન ફિલ્મ આવ્યા બાદ હવે લોકો તેમને પેડ કપલ તરીકે ઓળખવા લાગ્યા છે. સુરતના પેડ કપલ કહે છે કે તેઓ પોતાના તરફથી સેનિટરી પેડની જાગૃતિ માટે અનેક પ્રયત્નો વર્ષોથી કરી રહ્યા છે અને ઘણી મહિલાઓ અને યુવતીઓમાં આ જાગૃતિ આવી પણ છે. પેડમેન આવી એક કહાની છે જે ખાસ આવી મહિલાઓને બતાવવી જરૃરી છે કે જેઓ સેનિટરી પેડની જરૃરિયાત જાણતી નથી. આજે પેડમેન ફિલ્મના ફર્સ્ટ ડે શો બુક કર્યો અને ૧૨૫ મહિલાઓને આ શો બતાવ્યો. સાથે સેનિટરી પેડની કીટ પણ આપી છે.
આગળનો લેખ