ગાંધીનગરમાં મહામારી પછી સૌ પ્રથમ ઓન ગ્રાઉન્ડ શો એન્જીમેક-2021નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ટોચના એન્જીનિયરિંગ અને મશીન ટુલ્સ શોમાં એન્જીમેક-2021માં અદ્યતન પ્રોડકટ અને સર્વિસીસ તથા હેવી અને લાઈટ મશિન્સ, મશિનરી ઈક્વિપમેન્ટસ અને એસેસરીઝ, એન્જીનિયરિંગ ટુલ્સ તથા સંલગ્ન પ્રોડકટ અને સર્વિસીસ પ્રદર્શિત કરાશે. સાચા અર્થમાં ગ્લોબલ ઈવેન્ટ ગણી શકાય તેવો આ શો ગાંધીનગરમાં તા.1 થી 5 ડિસેમ્બર દરમ્યાન હેલિપેડ એક્ઝિબીશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. રાજ્ય સરકારે એન્જીમેક-2021ને પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2022ના ઈવેન્ટ તરીકે જાહેર કર્યો છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે એન્જીમેક-2021નું ઉદ્દઘાટન કરશે. કે એન્ડ ડી કોમ્યુનિકેશન દ્વારા યોજાનાર એન્જીમેક-2021ની એશિયાના સૌથી ગતિશીલ એન્જીનિયરીંગ, મશીનરી, મટિરીયલ હેન્ડલીંગ અને મશીન ટુલ્સ એક્ઝિબીશન તરીકે ગણના થાય છે. આ શોમાં 500 થી વધુ એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે. આ શોની મુલાકાતે ઉદ્યોગ ક્ષેત્રના 80 હજારથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે.
કે એન્ડ ડી કોમ્યુનિકેશન્સ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ ગોહિલ જણાવે છે કે "એમએસએમઈ ક્ષેત્રને કોવિડ-19 મહામારીની માઠી અસર થઈ છે અને તે આર્થિક મંદીના કારણે નાણાંકિય ખોટની સ્થિતિ ભોગવી રહ્યો છે. અર્થતંત્ર જ્યારે ફરીથી બેઠું થઈ રહ્યું છે ત્યારે એન્જીમેક-2021 વિવિધ બિઝનેસને નવી તકો અને નવા જોડાણો કરવામાં સહાયરૂપ થશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એમએસએમઈ ક્ષેત્રનું મોટું મથક છે અને તે પુનર્જીવિત થઈ રહેલી આર્થિક ગતિવિધીનો સૌથી વધુ લાભ મેળવવા સજ્જ છે.
15મી એન્જીમેક એ તેની અગાઉની એડિશનનું વધુ એક કદમ છે. આ શો ઉદ્યોગની ટેકનોલોજીકલ ક્ષમતા અને ઈનોવેશન રજૂ કરવાની અને જોવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ બની રહે છે અને કંપનીઓ માટે નવી તકો અને બજારો મેળવવામાં સહાયભૂત બની રહે છે. આ શોમાં, આ ક્ષેત્રમાં નવા ઉભરતા ઈનોવેશન્સ દર્શાવાશે અને ઉદ્યોગો સાથે જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાનની તક મળી રહેશે.
આ શોના ફોકસ સેક્ટર્સમાં મશીન ટુલ્સ અને મશીન ટુલ્સ એસેસરીઝ, ઓટોમેશન અને રોબોટિક્સ, ટુલીંગ સિસ્ટમ્સ, હાઈડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ, પમ્પસ એન્ડ વાલ્વઝ, ફાસનર્સ અને હાર્ડવેર, ઓટોમોબાઈલ, આઈટી એનેબલ્ડ સર્વિસીસ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન અને વેલ્ડીંગ્ઝ, એસપીએમએસ અને પાઈપ ટેકનોલોજી ક્ષેત્ર તથા અન્યનો સમાવેશ થાય છે.
આ પ્રદર્શનમાં 10,000થી વધુ નવતર પ્રકારની પ્રોડક્ટસ, પ્રોસેસિસ, ટેકનોલોજીસ અને ઈમર્જીંગ ટેકનોલોજીસને આવરી લઈને પ્રદર્શિત કરાશે. આ પ્રદર્શન એન્જિનિયરીંગ અને મશીન ટુલ્સ ક્ષેત્રે થયેલી ટેકનોલોજીકલ પ્રગતિનો પ્રથમદર્શી અનુભવ પૂરો પાડી મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપશે અને સ્થાનિક તેમજ વિદેશી કંપનીઓ સાથે કોલાબરેશન (સહયોગ)ની તક પૂરી પાડશે.
એન્જીમેક-2021 સમગ્ર ઉદ્યોગ માટે વૃધ્ધિના નવા દ્વાર ખૂલ્લા મૂકવાની સાથે સાથે આ પ્રદર્શન ઉદ્યોગના વ્યવસાયીઓ માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટસ તથા સર્વિસીસ જોવાની અને તેનું મૂલ્યાંકન કરવા માટેનું પ્લેટફોર્મ બની રહેશે તેવી અપેક્ષા છે.