Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સરમુખત્યાર હિટલરનો રક્તરંજિત પ્રેમ

સરમુખત્યાર હિટલરનો રક્તરંજિત પ્રેમ

દેવાંગ મેવાડા

W.D

લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા જર્મનીના ઘાતકી શાસક એડોલ્ફ હિટલર સાથે કોઈ પ્રેમ કરી શકે ? જવાબ છે હા, તે સમયે જર્મનીની અનેક છોકરીઓ હિટલરની દિવાની હતી. હિટલરની સંખ્યાબંધ પ્રેમિકાઓ પૈકી ત્રણ યુવતીઓએ પણ સરમુખત્યાર સાથે પોતાનુ નામ અમર કરી દીધુ હતુ. પરંતુ અનેક લોકોના મોતનુ કારણ બનેલા હિટલરનો ત્રણે યુવતીઓ સાથેનો પ્રેમ પણ રક્તરંજિત રહ્યો હતો. તેના મર્યા બાદ નાઝી પાર્ટીના અગ્રણીઓએ તેની પ્રેમકથાઓને અત્યંત ગુપ્ત રાખવાની કોશીષ કરી હતી પરંતુ ત્રણ યુવતીઓ સાથેનો તેનો પ્રેમ છુપાવવામાં તેઓ સદંતર નિષ્ફળ નિવડ્યાં હતા. હિટલરના જીવનમાં પ્રેમીકા બનીને પ્રવેશેલી આ યુવતીઓમાં ઈવા બ્રોન, ગેલી રોબલ અને રેનાટ મુલરનો સમાવેશ થાય છે.

જર્મનીની ખ્યાતનામ અભિનેત્રી રિનાટ મુલર સાથે હિટલરની મુલાકાત શુટીંગ દરમિયાન થઈ હતી. દાશીન સમુદ્રના રોમેન્ટીક કિનારા પર બંનેની પ્રથમ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. દેશના શાસક હિટલર અને સૌદર્યવાન અભિનેત્રી રિનાટ વચ્ચેનો પ્રણયફાગ દેશભરમાં ચર્ચાના એરણે ચડ્યો હતો. પરંતુ અંગત જીવનમાં એડોલ્ફના વિચીત્ર વ્યવહારને જોઈને રિનાટ ગભરાઈ ગઈ હતી. તેની અજીબ હરકતો તેને વિચલીત કરી દેતી, પરંતુ હિટલર સાથે પ્રેમસંબંધોનો અંત આણવો તેના હાથમાં ન હતો અંતે માનસિક તાણમાં આવી જતાં તેને સેનેટોરિયમમાં મોકલવી પડી હતી. 1 ઓક્ટોબર 1937ના રોજ સેનેટોરિયમના ઉપરના મજલેથી પડતુ મુકીને તેણે આપઘાત કરી લીધો હતો.
webdunia
W.D

એડોલ્ફના પ્રારંભીક પ્રેમ પ્રસંગોમાં ગેલી રોબલની ચર્ચા અનિવાર્ય થઈ જાય છે. હકીકતમાં તે હિટલરની ભાણી હતી, પરંતુ તેની સારસંભાળની જવાબદારી સંભાળતો હિટલર તેને અન્ય વ્યક્તિ સાથે જોઈને ક્રોધીત થઈ ઉઠતો હતો. બંને વચ્ચેની નીકટતા અંતે પ્રેમમાં પરિણમી અને તેઓ એકબીજાના ગળાડુબ પ્રેમમાં પડી ગયા. તેઓના સંબંધો અત્યંત ઉત્તેજક હતા અને બંને એકબીજા પર 'બેવફા'નો આરોપ પણ લગાવતાં હતા. એકબીજા સાથે લડતા, ઝઘડતાં બંને જણાં એકબીજાથી દુર પર રહી શકતા ન હતા. પરંતુ એક વખત બંને વચ્ચે નજીવી બાબતે થયેલો ખટરાગ ચરમસીમાએ પહોંચી ગયો. અંતે એડોલ્ફે તેનાથી દુર હેમબર્ગ જવાનો કઠોર નિર્ણય લીધો. તે બહારગામ જવા માટે કારમાં બેઠો ત્યારે ગેલીએ તેને અંતિમ વખત રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ હિટલરે તેની વાતનો અનાદર કર્યો હતો. જેનાથી વ્યથીત થઈને તેણે પોતાની છાતી ઉપર ગોળી મારીને જીવાદોરી ટુંકાવી લીધી.
webdunia
W.D

'આપણી પહેલી મુલાકાત પછી મે સોગંધ લીધા હતા કે, હું મરતા સુધી તમારી સાથે રહિશ. હું માત્ર તમારા પ્રેમ માટે જ જીવીત છું'. હિટલર જેવા ઘાતકી શખ્સ સાથે આટલી હદે મહોબ્બત કરતી ઈવા બ્રોન તેના જીવનની સૌથી નજીકની વ્યક્તિ હતી. હિટલરના અંગત તસવીરકાર હેનરિખ હોફમેનની સેક્રેટરી ઈવા સાથે તેની મુલાકાત 1931માં થઈ હતી. ગેલી રોબલના મોતથી ગમગીન બનેલા હિટલરને ઈવાએ વધુ ઉત્સાહિત બનાવી દીધો. હિટલરને પ્રાણથી પણ વધારે ચાહતી ઈવાને જ્યારે તેના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઈ ત્યારે તે માનસિક રીતે ખુબ જ ભાંગી પડી અને તેણે પોતાની ગરદન પર ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. તેના આ પગલાં પછી હિટલરને તેના પ્રત્યે પ્રેમ વધી ગયો. અલબત્ત આ ઘટના પછી હિટલરે અન્ય સ્ત્રીઓ સાથે પોતાના સંબંધો પણ સંકેલી લીધા. હિટલર અને ઈવા વચ્ચેના મધુર સંબંધો વર્ષો સુધી યથાવત રહ્યા હતા. એડોલ્ફને સંતાન પ્રાપ્તીની કોઈ ઈચ્છા ન હતી તેમ છતાંય બંને વચ્ચેના સંબંધોમાં કોઈ ફર્ક પડ્યો ન હતો. 1944માં રચાયેલા ષડયંત્રમાં હિટલરના આબાદ બચાવ બાદ ઈવાએ તેને ભાવનાત્મક પત્ર લખીને પોતાના પ્રગાઢ પ્રેમને અભિવ્યક્ત કર્યો હતો. જીવનના અંત સુધી તે હિટલરની સાથે જ હતી અને છેલ્લે તેણે પણ સાઈનાઈડ ગળીને પોતાના જીવનનો અંત આણી દીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati