ધોરણ-1થી 12ના શાળાઓ ખોલી દેવામાં આવતા જ યુનિફોર્મ, સ્કૂલબેગ, સ્ટેશનરી, બૂટ સહિતની વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને છેલ્લા બે વર્ષ પછી આર્થિક રાહત મળી છે. જ્યારે બીજી તરફ રૂપિયા 50થી રૂપિયા 200થી વધારે ભાવવધારાથી વાલીઓનું બજેટ ડામાડોળ બન્યું છે. કોરોનાનું મંદ પડેલા સંક્રમણને પગલે રાજ્ય સરકારે હાલમાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દીધી છે. જોકે કોરોનાની ગાઇડ લાઇન મુજબ 50-50 ટકા વિદ્યાર્થીને બોલાવવાનો નિયમ બનાવ્યો છે.
તેમ છતાં શાળાઓ ખુલતા જ છેલ્લા શૈક્ષણિક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓને છેલ્લા દોઢેક વર્ષ બાદ આર્થિક રાહત મળી છે. જ્યારે બીજી તરફ વાલીઓ ઉપર આર્થિક ભારણ પણ વધી ગયુ છે. શાળાઓ ખુલતા જ બાળકોને શાળામાં મોકલવા માટે વાલીઓ તૈયાર થયા છે. આથી બાળકોના યુનિફોર્મ, સ્કુલ બુટ, સ્કુલ બેગ, સ્વેટર, સ્ટેશનરી સહિતની વસ્તુઓની ખરીદી કરવાની ફરજ પડી છે. જોકે ઓનલાઇન શિક્ષણના કારણે વાલીઓ યુનિફોર્મ, સ્કુલબેગ, સ્કુલ બુટ, સ્વેટર સહિતની ખરીદી કરતા નહી. જોકે પેટ્રોલ-ડિઝલ અને સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાની અસર શૈક્ષણિક એસેસરીઝના ભાવમાં રૂપિયા 50થી 200નો વધારાથી આર્થિક માર વાલીઓને સહન કરવાની ફરજ પડી છે. સ્કુલ યુનિફોર્મની ખરીદી કરતા વાલીઓએ જણાવ્યું છે કે બે વર્ષ પહેલાંની સરખામણીએ હાલમાં રૂપિયા 200નો વધારો થયો છે. તેજ રીતે સ્કુલ બેગમાં મટીરીયલના આધારે રૂપિયા 100થી રૂપિયા 200નો વધારો થયો છે. સ્કુલ બુટમાં પણ રૂપિયા 50થી રૂપિયા 100નો વધારો થયો છે. તેજ રીતે સ્ટેશનરીમાં પણ રૂપિયા 10થી 20નો વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.