જર્મનીએ યુરોપિયન સંઘની શિખર પરિષદમાં રજૂ કરવાના કેટલાક સુધારાઓ ફગાવી દીધા છે. આને કારણે યુરોપિય ઋણ સંકટના ઉકેલનું ચિત્ર ધૂંધળું બનતા વિશ્વભરના શેરોમાં માતમનો માહોલ છવાયો છે. ઘરઆંગણે શુક્રવારે પ્રારંભથી જ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. સેન્સેક્સ-નિફ્ટી આગલા બંધ સામે નોંધપાત્ર નીચા ગેપમાં ખૂલ્યાં છે. બન્ને ઇન્ડેક્સ ખૂલીને સામાન્ય વધ્યાં હતા, પરંતુ આ પ્રગતિ લાંબી જળવાઈ નહોતી. નફારૂપી વેચવાલી દબાણે બન્ને ઇન્ડેક્સ ઊંચા સ્તરેથી ધોવાયા હતા.
કામકાજની પ્રથમ 10 મિનિટમાં જ નિફ્ટીએ ઘટીને 4900નું વધુ એક લેવલ ગુમાવી દીધું છે. સેન્સેક્સ પણ સેશન દરમિયાન એક તબક્કે ઘટીને 16,000ના લેવલથી માંડ 150 પોઇન્ટ જેટલો છેટે રહ્યો હતો. જો કે, નીચા મથાળેથી નવી લેવાલી નીકળતા બન્ને ઇન્ડેક્સ થોડાઘણાં રિકવર થયા હતા. પણ નિફ્ટી હજુંય 4900ની નીચે જ છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકે પોતાના મુખ્ય વ્યાજદરને 25 બેઝીસ પોઇન્ટ ઘટાડીને 1 ટકો કર્યો છે. જો કે ઇસીબી દેવાના બોજ તળે દબાયેલા યુરોપિયન રા્ટ્રોના બોન્ડની ખરીદી વધારશે એવા સમાચારે ખેલાડીઓની આશાને હજુ સુધી ધબકતી રાખી છે. નહિતર અત્યાર સુધી તો વિશ્વભરના બજારોમાં વેચવાલીનું સુનામી આવી પણ ચૂક્યું હોત! યુરોપના નેગેટિવ સમાચારોએ અમેરિકના એમ્પ્લોયમેન્ટ ડેટાના સારા સમાચારને પણ દબાવી દીધા છે. ભારતીય ખેલાડીઓની નજર આજની યુરોપિયન યુનિયનની બેઠક ઉપરાંત દિલ્હીથી આવતા સમાચારો ઉપર પણ છે.