રિલાયંસ ઈંડસ્ટ્રીઝ 3 વર્ષની નીચી સપાટીએ
અમદાવાદ , બુધવાર, 21 ડિસેમ્બર 2011 (16:29 IST)
કંપની દ્વારા કરાયેલ એડવાન્સ ટેક્સની ચૂકવણીમાં ઘટાડો નોંધાતા રિલાયન્સ ઇન્ડ.ને માર પડ્યો છે. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં આજે સંખ્યાબંધ હેવીવેઇટ 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 23 માર્ચ 2009 પછી આટલો નીચો ભાવ જોવા મળ્યો નથી. ઇન્ટ્રાડે કામકાજ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે સવારથી લઈ બપોરે 1 વાગ્યા સુધી રૂ. 720થી 730ની રેન્જમાં ટ્રેડિંગ થયું હતું. 1 વાગ્યા બાદ તે વધીને બપોરે પોણા ત્રણની આસપાસ રૂ. 741.2ની દિવસની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. દિવસના ઊંચા ભાવે નફારૂપી વેચવાલી થતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સમગ્ર સુધારો મંદીવાળાઓના ચરણે ધરી દીધો હતો અને એકધારો ઘટીને રૂ. 709.1ની 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શી ગયો હતો અને આખરે 3 ટકા નરમ બનીને રૂ. 713.5 બંધ રહ્યો હતો.કંપનીએ ડિસેમ્બર 2011માં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1002 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂક્યો છે જે ડિસેમ્બર 2010 માટે ચૂકવાયેલા એડવાન્સ ટેક્સની તુલનાએ 15.8 ટકા ઓછો છે. લાર્સન એન્ડ ટુબ્રોની સ્ક્રિપ સેશનના પ્રારંભના 1 કલાક દરમિયાન રૂ. 1000ની સપાટી ચીરી હતી અને ઇન્ટ્રાડે રૂ. 972ની 52 સપ્તાહની નીચી સપાટીને અડકી ગયો હતો અને અંતે 5.1 ટકા ગુમાવીને રૂ. 979.1 બંધ હતો. મે 2009 બાદ સૌપ્રથમવાર લાર્સન એન્ડ ટુબ્રો રૂ. 1000ની નીચેની સપાટીએ બંધ રહ્યો છે.આ સિવાય ભારત હેવી રૂ. 225, તાતા પાવર રૂ. 80.6, જયપ્રકાશ એસોસિયેટ્સ રૂ. 53.10, તાતા સ્ટીલ રૂ. 342.2 અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૂ. 1576ની 1 વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યાં હતા.