રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા પોતાના પાડોશી અને મિત્ર બેલારૂસમાં રશિયન ટૅક્ટિકલ વૅપન્સ એટલે કે પરમાણુ હથિયાર તહેનાત કરશે.
રાષ્ટ્રપતિ પુતિને યુરોપનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમેરિકાએ યુરોપમાં ઘણી જગ્યાએ પોતાનાં પરમાણુ હથિયાર મૂક્યાં છે, આની સરખામણીએ તેમનું આ પગલું પરમાણુ નિ:શસ્ત્રીકરણ સમજૂતીનું ઉલ્લંઘન નહીં ગણાય.
જોકે, તેમણે એવું પણ કહ્યું કે આ હથિયારોનું ક્રંટ્રોલ બેલારૂસને નહીં સોંપે.
શનિવારે પુતિને રશિયન સરકારી ટેલિવિઝનને કહ્યું કે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લૂકાશેન્કો ઘણા સમયથી કહેતા આવ્યા છે કે રશિયાએ પોતાનાં પરમાણુ હથિયાર બેલારૂસમાં પણ રાખવાં જોઈએ.
તેમણે કહ્યું, “આમાં કોઈ અજુગતી વાત નથી. દાયકાઓથી અમેરિકા આવું કરી રહ્યું છે. તેઓ પોતાના સહયોગી દેશોની જમીન પર વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વનાં હથિયાર તહેનાત કરતું રહ્યું છે.”
પુતિને કહ્યું છે કે રશિયા આ વર્ષે એક જુલાઈ સુધી બેલારૂસમાં ટૅક્ટિકલ વૅપન્સના ભંડાર માટે બનાવેલ પોતાના સ્ટોરેજ યુનિટનું કામ પૂરું કરી લેશે.