કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતા સવુભા નવુભા જાડેજા ગાર્ડનનું કામ સંભાળતી કંપનીમાં ફરજ બજાવતા હતા. ગઈકાલે સવારે 30 વર્ષીય સવુભા કંપનીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જ હ્રદયરોગનો હુમલો આવતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. યુવાનના નિધન બાદ તેના નશ્વર દેહને તેના ગામમાં લઈ જઈ સમાજના રીતિ રિવાજ મુજબ અંતિમવિધિ કરવામા આવી હતી
પતિના નિધન બાદ અંતિમવિધિ પૂર્ણ થયાને હજી તો ચોવીસ કલાક પણ પૂર્ણ થયા ન હતા ત્યાં જ સવુભાના પત્ની લીલાબાએ પતિના નિધનના વિયોગમાં એસિડ પી લેતા સૌ પહેલા ભુજની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યાં આજે સવારે પોણા આઠ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સવુભા અને લીલાબાના અંદાજિત સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને સંતાનમાં પાંચ વર્ષની પુત્રી અને 2 વર્ષનો પુત્ર છે. બે દિવસમાં માતા-પિતાના નિધન થતા બંને સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. દંપતીના નિધનના પગલે નાના એવા તુંબડી ગામમાં શોકનો માહોલ છવાયો છે