Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Liquor allowed in Gujarat - ગુજરાતમાં દારૂ પીવાની છૂટ કોને છે અને તેની પરમિટ કેવી રીતે મળે?

Liquor allowed in Gujarat - ગુજરાતમાં દારૂ પીવાની છૂટ કોને છે અને તેની પરમિટ કેવી રીતે મળે?
, સોમવાર, 25 ડિસેમ્બર 2023 (08:47 IST)
ગુજરાતમાં હવે ગાંધીનગરસ્થિત 'ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટૅક (ગિફ્ટ) સિટી'માં દારૂનું સેવન થઈ શકે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અધિકૃત જાહેરાત અને તેના માટેની પ્રક્રિયા વિશે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે.
 
આ પ્રેસનોટ અનુસાર 'ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને લિકરના સેવનની છુટ્ટી આપવાનો નિર્ણય લેવાયો છે.'
 
આ નિર્ણય ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઇન ઍૅન્ડ ડાઇન' સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવાયો છે.
 
આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લિકર ઍક્સેસ પરમિટ આપવામાં આવશે. જેનાથી તેઓ આવી 'વાઇન ઍન્ડ ડાઇન' આપતી હોટલ, રેસ્ટોરાં, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે એવું જણાવાયું છે.
 
પ્રેસનોટ અનુસાર, ગિફ્ટ સિટી ખાતે આવેલી કે ભવિષ્યમાં બનનારી હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઇન ઍન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ-3 પરવાના મેળવી શકશે.
 
ગિફ્ટ સિટી સિવાય ગુજરાતના અન્ય વિસ્તારમા ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની પરમિટ અમુક ખાસ સંજોગોમાં આપવામા આવે છે.
 
ગુજરાતમાં દારૂની પરમિટ મુખ્યત્વે પ્રવાસીઓને, હંગામી રહેવાસીઓને, ગુજરાતના નાગરીકને સ્વાસ્થ્યના કારણે અને સશસ્ત્ર દળોનાં સેવા નિવૃત સભ્યોને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મળે છે.
 
વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કૉંગ્રેસના ધારાસભ્યનાં સવાલનો જવાબ આપતા જણાવ્યું કે છેલ્લા 2 વર્ષ મા રાજ્યમાં 197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે.
 
આરોગ્યનાં કારણોસર દારૂની પરમિટ ક્યારે મળે?
 
ગુજરાતનાં દારૂબંધીના નિયમમાં અમુક છુટછાટ ગુજરાતીઓને પોતાનું આરોગ્ય જાળવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘરમાં રાખવા અને સેવન કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળી શકે છે.
 
આ પરમિટ મેળવવા માટે વ્યકિતની ઉંમર ઓછામા ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક 25,000 રૂપિયાથી વધારે હોવી જોઈએ. આ પરમિટ માટે 2000 રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે અને 2000 રૂપિયા આરોગ્ય તપાસણી ફી અરજદારે જમા કરવાના રહેશે. આ પરમિટની વાર્ષિક ફી 2000 રૂપિયા છે.
 
ત્યારબાદ, અરજદારે પોતાના કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર, પોતાની ઉંમર, રહેઠાણ અને આવકનો પુરાવો રજૂ કરવાનો હોય છે.
 
સ્વાસ્થ્ય પરમિટ હેઠળ 40થી વધુ અને 50 વર્ષ સુધીની વ્યક્તિને માસિક ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વ્યક્તિને ચાર યુનિટ અને 65 વર્ષથી વધુ વર્ષની વ્યક્તિને પાંચ યુનિટની પરવાનગી મળે છે.
 
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ દારૂનો વપરાશ કરવા ઉપર પ્રતિબંધ ન હોય એવા ભારતના કોઈ રાજ્યમાં સતત દસ વર્ષ કરતાં વધારે, અથવા ભારત બહારના કોઈ દેશમાં પાંચ વર્ષથી વધુ વસવાટ કર્યો હોય અને તે વ્યક્તિએ એ સમયગાળામાં દારૂનું સેવન કર્યું હોય તેવી વ્યક્તિને પોતાનું આરોગ્ય જાળવવા માટે સ્વાસ્થ્ય પરમિટની જોગવાઈ છે.
 
અરજદારે આ પરમિટ માટે 2000 રૂપિયા પ્રોસેસ ફી પેટે ભરવાના રહેશે. આ ઉપરાંત અરજદારે ગુજરાતમાં વસવાટ કરવાના 24 મહિનાની અંદર અરજી કરવાની હોય છે.
 
સશસ્ત્ર દળોમાંથી સેવા નિવૃત થઈને ગુજરાતમાં રહેતા સભ્યોને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે દારૂનો કબજો અને ઉપભોગ કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળે છે.
 
આ પરમિટ મેળવવા માટે અરજદારે ઍકસ-સર્વિસમૅનનુ ઓળખપત્ર અને રહેઠાણના પુરાવા રજૂ કરવાના રહેશે. આ પરમિટ ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેની વાર્ષિક ફી 500 રૂપિયા છે.
 
વિદેશી દારૂની ગૃપ પરમિટ લેવા માટેના નિયમો
 
ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર કોઈ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કૉન્ફરન્સ, વ્યવસાયિક કે શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેનારા અને ગુજરાતના રહેવાસી ન હોય તેવા સભ્યોને વિદેશી દારૂની ગૃપ પરમિટની જોગવાઈ છે.
 
આ પરમિટ માટે અરજદારે 5000 રૂપિયા ફી પેટે આપવાના રહેશે અને વિદેશી દારૂનો જથ્થો મંજૂર થયેલો દારૂનો જથ્થો સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂનાં પરવાનેદાર વેપારી પાસેથી ખરીદવાનો હોય છે.
 
આ શરતોનો પહેલી વખત ભંગ કરનાર વ્યક્તિને 500 રૂપિયાનો દંડ અને છ માસની કેદની સજા થઈ શકે છે અને બીજી કે ત્રીજી વખત ભંગ કરનારને વધારે સજાની જોગવાઈ છે.
 
હંગામી રહેવાસી માટેની પરમિટ
 
જો કોઈ પણ વ્યક્તિ ભારત બહારના કોઈ અન્ય દેશ કે જ્યાં દારૂનો સામાન્ય રીતે વપરાશ કરવામાં આવતો હોય તે દેશમાં જન્મેલો હોય, નિવાસી હોય અથવા નાગરિક હોય અને ગુજરાતમાં હંગામી ધોરણે વસવાટ કરવા આવે ત્યારે તેમને ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર પરમિટ મળી શકે છે.
 
આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે માન્ય વિઝા અને પાસપોર્ટની નકલ હોવી જોઇએ.
 
આ પરમિટ માટે અરજદારે 500 રૂપિયા અરજી ફી પેટે આપવાના રહેશે અને વિદેશી દારૂનો જથ્થો મંજૂર થયેલો દારૂનો જથ્થો સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂનાં પરવાનેદાર વેપારી પાસેથી ખરીદવાનો રહેશે.
 
જોકે, પ્રવાસીઓને આ પરમિટ મહત્તમ એક મહિના માટે આપવામાં આવે છે અને આ પરમિટ માટે કોઈપણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. આ પરમિટ અનુસાર મહત્તમ છ યુનિટ માટે પરવાનગી આપવામાં આવે છે અને તે રાજ્યના વિદેશી દારૂનાં માન્ય પરવાનેદાર વેપારીઓ પાસેથી ખરીદવી પડે છે.
 
દારૂના વપરાશ પર પ્રતિબંધ ન હોય ભારતનાં અન્ય રાજ્યો અને કોઈ એવા દેશમાંથી ગુજરાત આવનારા પ્રવાસીઓને મહત્તમ સાત દિવસ માટે ગુજરાત રાજ્યની પોતાની મુલાકાત સમયે વિદેશી દારૂ કબજામાં રાખવા અને ઉપભોગ કરવા માટેની પરમિટ મેળવી શકે છે.
 
આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ અને તેમને એક અઠવાડિયા માટે એક યુનિટ દારૂની પરવાનગી મળી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાથી બાળકીએ ગુમાવ્યો અવાજ