વડોદરામાં ગઈકાલે એટલે કે રવિવારે દોઢ ઇંચ વરસાદ ખાબકતા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ઘૂસી ગયા હતા. રવિવારે બેંક બંધ હોવાના કારણે આજે બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બેંકમાં જતા લોકર રૂમમાં પાણી જોઇ ચોંકી ઉઠ્યા હતા. નોંધનીય છે કે, આ બેંકમાં દર વર્ષે લોકર રૂમમાં પાણી ભરાઇ જતા હોય છે. પરંતુ, બેંક સત્તાવાળાઓ દ્વારા લોકર રૂમમાં ભરાતા વરસાદી પાણી અંગે કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.
રવિવારે રજા હોવાથી આજે પાણી ભરાયાની ખબર પડી
રવિવારે વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેંક પણ બાકી નથી. ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે. જેમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રવિવારે પડેલા વરસાદને પગલે બેંકમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બેંકના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મૂકાયા હતા. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદારો પોતાની મૂડી અને લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓને જોવા માટે ઉમટી પડ્યા હતા.