વીએસ હોસ્પિટલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને આંખની નગરી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રોફેશનલ ખાનગી એજન્સીઓને કામ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્રણેય હોસ્પિટલમાં 263 નર્સ સહિત 681 લોકોની ભરતી પ્રક્રિયા આગામી દિવસમાં કરવામાં આવશે. સૌથી વધુ 150 જેટલી નર્સની એલ.જી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવનાર છે.
કોર્પોરેશન તંત્ર સરકારી સ્વીમીંગ પુલ, ગાર્ડન બાદ હવે મ્યુનિસિપલ હોસ્પિટલોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. નવી બનેલી આંખની નગરી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં તમામ પેરામેડિકલ, એડમિનિસ્ટ્રેશન સ્ટાફને આઉટસોર્સીગથી લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. SVP બાદ હવે આ ત્રણ હોસ્પિટલ પ્રાઇવેટ સેક્ટર પ્રોફેશનલસ દ્વારા ચલાવવામાં આવશે.
44 જેટલા અલગ અલગ કામ માટે 329 એલ જી હોસ્પિટલ, 278 શારદાબેન હોસ્પિટલ અને 74 નગરી હોસ્પિટલમાં મળી કુલ 681 લોકોની ભરતી કરવામાં આવનાર છે. 56 જેટલા જુનિયર કલાર્ક પણ કોન્ટ્રાક્ટર બેઝ પર ભરતી કરવામાં આવશે. બે વર્ષ માટે પ્રોફેશનલ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.