દેશમાં ત્રિપલ તલાકને લઇને કાયદો બની ગયો છે. ત્યારે હવે ફરી ગુજરાતના અમદાવાદથી ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાહેર માર્ગ પર પત્નીને ત્રિપલ તલાક આપી દેતાં મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતી યુવતિના લગ્ન જુહાપુરાના યુવક થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ સાસરી તરફથી વારંવાર ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવતાં તે પિયરમાં રહેવા જતી રહી હતી. જેને લઇને અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
શુક્રવારે યુવતી પોતાના પરિવાર સાથે નાસ્તો કરવા ગઇ હતી ત્યારે યુવતિના પિતા જમાઇને જોઇ જતાં ઉભા રાખી ઘરસંસારમાં અંગે સમજણ આપી હતી. પરંતુ તે દરમિયાન તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેણે કહ્યું હતું કે 'તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું.'
આમ પત્નીને રસ્તા વચ્ચે જ તલાક આપી દેતાં યુવતીની તબિયત લથડી ગઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતિ સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો.