સુરતના અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલી એસએમસીની ડમ્પિંગ સાઇટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો નાખી દીધો હતો. ત્યાર બાદ જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઊંચકીને કચરાનો મોટા ઢગલા પર નાખી દીધી હતી. ત્યાર બાદ આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી.
અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવ્યું હતું કે સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી. આ સમયે એક ટ્રેક્ટર-ડ્રાઇવર અને મજૂરો કચરો નાખવા આવ્યા હતા. જેમણે જગ્યા જોયા વિના જ કચરો નાખી દીધો હતો, જેની નીચે નીતાબેન દબાઈ ગયાં હતાં.રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઊંચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો હતો.
એ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન કચરાની નીચે દબાઈ ગયાં હશે. તેથી તેણે બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ દસેક મિનિટ થઈ ગઈ હતી. કચરામાંથી નીતાબેનને રેસ્ક્યૂ કરાયાં હતાં.નીતાબેનને તાત્કાલિક સ્મિમેરમાં ખસેડાયાં હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયાં હતાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.