હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 25થી 26 જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ સતત પડી રહ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે મોડી રાતે લાઠી શહેરમાં 25 મિનિટમાં પોણા ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર શહેર અને મેઇન બજાર સહિતની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક ભર્યું વાતાવરણ સર્જાયું હતું
વરસાદની આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના કામરેજ તાલુકા બે કલાકમાં 3.44 ઇંચ વરસાદ ખાબકતા કામરેજ પંથકમાં પાણીની રેલમછેલ થઇ હતી. અન્ય તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં ચોમાસુ ધીરેધીરે રંગત જમાવી રહ્યુ છે. જેમાં આજે બુધવારે ચાર વાગ્યાથી તો આકાશ એકાચાર થવાની સાથે હમણાં જ ધોધમાર વરસ્યો હતો. સુરત શહેરમાં વરસાદનું ટીપુ પણ પડયુ ના હતુ. આ વરસાદ કામરેજમાં તૂટી પડયો હતો. કામરેજ તાલુકામાં બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના બે કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. આ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદી પાણી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર દોડતુ થયુ હતુ. આ બે કલાક કામરેજ તાલુકો જાણે કટ ઓફ થઇ ગયો હોઇ તેવા વરસાદ વરસ્યો હતો. બે કલાક પછી વરસાદ ધીમો પડયો હતો. આ સિવાય બપોરે ચારથી છના બે કલાકમાં પલસાણામાં દોઢ ઇંચ, વરસાદ નોંધાયો હતો.
વહેલી સવારે રાજુલામાં વરસાદ
આ ઉપરાંત વહેલી સવારે 4થી 5 વાગ્યા વચ્ચે રાજુલા શહેરમાં વરસાદ વરસતો હતો. વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થવાના કારણે લોકો વધુ પરેશાન થયા હતા. સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થવાના કારણે લોકોની નારાજગી પણ જોવા મળી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સતત વરસી રહ્યો છે.