Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આગની દુર્ઘટનાના પગલે GIDC ફેઝ-2ના 3 કેમિકલ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સને બંધ રાખવાનો હુકમ કરાયો

આગની દુર્ઘટનાના પગલે GIDC ફેઝ-2ના 3 કેમિકલ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સને બંધ રાખવાનો હુકમ કરાયો
, ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (09:09 IST)
બુધવારે મોડી રાત્રે 12:30 વાગ્યે અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ-2ના ત્રણ કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં આગ ફાટી નીકળતા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત્ ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નિયામક(Director Industrial Safety and Health-DISH)એ ફેક્ટરી એક્ટની કલમ 40 (2) હેઠળ ક્લોઝર ઓર્ડર જાહેર કર્યો છે.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નિયામકે નિર્દેશ આપ્યો છે કે તેઓ ટોચ અગ્રતાના ધોરણે તમામ ઉત્પાદન સુવિધાઓમાં કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં ભરે. 
 
ડીઆઈએસએચ અધિકારીઓના પ્રાથમિક અહેવાલ મુજબ, જગસન કલર કેમ લિમિટેડના પ્લોટ નંબર -5601-4 અને માતંગી ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, પ્લોટ નં. સી-1/5605થી સી-1/5614માં આગ લાગી હતી અને ભાવિન ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પ્લોટ નં. 448 સુધી ફેલાઈ હતી. આ તમામ એકમો વટવા જીઆઈડીસી, ફેઝ-2માં છે. આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. આ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.
 
આ અંગે વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, ‘ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય(ડીઆઈએસએચ)ના નિયામકને ઝડપથી કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત, ડીઆઈએસએચ એ પણ ચકાસણી કરશે કે ફેક્ટરીઝ એક્ટ દ્વારા સૂચવેલા સલામતીના માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા છે કે કેમ? અધિકારીઓના નિરીક્ષણ બાદ અમે એકમોને ક્લોઝર ઓર્ડર પણ આપી દીધા છે.
 
ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના નિયામક પી.એમ. શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 26 નવેમ્બર 2020ના રોજ એક ઠરાવ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફેક્ટરીઓને હવે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 હેઠળ ફાયર વિભાગનું ના વાંધા પ્રમાણપત્ર-(NOC) મેળવવાનું રહેશે.
 
તેમણે એમ પણ ઉમેર્યું કે, ઉત્પાદનની કામગીરી પુન: શરૂ કરવાની મંજૂરી આપતા પહેલાં આગ અને અન્ય સલામતી પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. જ્યાં સુધી તમામ આવશ્યક ધારાધોરણો પૂર્ણ નહીં થતાં હોય, ત્યાં સુધી એકમો બંધ જ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

200 રૂપિયા સુધીની એરટેલનો બેસ્ટ પ્રી-પેઇડ પ્લાન, અનલિમિટેડ કૉલિંગ