ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે શપથ લઈને નવી સરકારની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યકક્ષના મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતાની સાથે જ કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે સૌથી પહેલાં ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ટ્રાફિકના નિયમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં રાજ્ય સરકાર ટ્રાફિકના નિયમોમાં સુધારા લાવવા માટે ટ્રાફિક પોલિસી અમલી બનાવાશે. વર્તમાનમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોકીને દંડ વસૂલ કરે છે પરંતુ ટેકનોલોજીની મદદથી વાહન ચાલકોને રોક્યા વગર જ દંડ કરવાનું આયોજન સરકાર કરી રહી છે. નવી પોલીસી અંતર્ગત ટ્રાફિક નિયમોમાં 36 પેરામીટરનો સુધારો કરવામાં આવશે અને વાહન ચાલકોને રોડ ઉપર ઉભા રાખવામાં નહીં આવે. આ ઉપરાંત જેટલા પણ ટ્રાફિક સિગ્નલ બંધ પરિસ્થિતિમાં છે તે તમામ ટ્રાફિક સિગ્નલ ને શરૂ કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ ટ્રાફિકના સંચાલન માટે વધુ પોલીસ ફોર્સ મૂકી છે અને જે જગ્યા ઉપર ઓછી પોલીસ ફોર્સ કાર્યરત મૂકી છે ત્યાં અકસ્માતમાં વધારો થયો કે ઘટાડો થયો? ટ્રાફિકનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે? તે તમામ બાબતની ચર્ચા કરીને રિવ્યુ પણ કરવામાં આવશે. ગુજરાતના વાહન ચાલકોને કોઈ પણ તકલીફ અને મુશ્કેલીઓ ન આવે તે રીતે આ પોલિસી અંતર્ગત જોગવાઈ કરવામાં આવશે તેમજ દંડની રકમમાં સુધારો કરવામાં આવશે.