વડોદરામાં અલગ રહેતા પતિ અને પત્ની વચ્ચે વિવાદ થતાં અલગ અલગ રહેતાં હતાં. પતિએ પત્નીની જાણ બહાર તેના ખાતામાંથી 97 હજાર ઉપાડી લેતાં પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિ પત્ની અલગ રહેતા હતા. જ્યારે પત્ની સિમકાર્ડ પતિના નામનું વાપરતી હતી. જે સિમકાર્ડ પતિએ બંધ કરાવી તે સિમ ફરીથી લઈને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ નિમેષ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, મારા લગ્ન 2009માં નિમેષ સાથે થયા હતા. સંતાનમાં અમારે બે દીકરી છે. અમે પતિથી અલગ રહીએ છીએ. ગત વર્ષે મારા સસરાએ મને અને પતિને 10 લાખ આપ્યા હતા, જે રૂપિયા પતિએ વાપરી નાખ્યા હતા. આ મામલે અમારો ઝઘડો થતાં મને માર માર્યો હતો. ત્યારબાદથી પતિ દિયરના ઘરે રહેવા જતા રહ્યા હતા. મંે પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો.
બીજી તરફ મારું બેંક ઓફ બરોડામાં ખાતું છે. હું અગાઉ મારા પતિના નામે સિમકાર્ડ વાપરતી હતી અને જે મારા બેંક ખાતા સાથે લિંક હતું. પતિએ મારી પાસે રહેલું સિમકાર્ડ બંધ કરાવી તે જ નંબરનું બીજું સિમકાર્ડ લઈ લીધું હતું. તેમણે તે નંબરનો ઉપયોગ કરી ગુગલ પે દ્વારા મારા ખાતામાંથી બારોબાર રૂા.97,800નાં ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા. મહિલાને જાણ થઈ હતી કે, તેના રૂપિયા ઉપાડી લેવાયા હતા. જેથી મહિલાએ પતિને આ બાબતે વાત કરી હતી. ત્યારે પતિએ તેને કહ્યું હતું કે, રૂપિયા મેં જ ઉપાડ્યા છે. તેં ભરણપોષણનો કેસ કર્યો છે, પણ તને રૂપિયા આપવાનો નથી. તારાથી થાય તે કરી લે જે. મહિલા એકલી તેની બે દીકરી સાથે રહેતી હતી અને તમામ ખર્ચ પણ ઉપાડતી હતી. તેમણે દીકરીઓની ફી ભરવાના રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં મૂકી રાખ્યા હતા. જે રૂપિયા પતિએ જાણ કર્યા વગર બારાબાર ઉપાડી લીધા હતા અને તે રૂપિયા પરત કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.