પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું ભુતકાળમાં બ્લેક લિસ્ટ થયેલી વ્યક્તિ પરીક્ષા આપી શકે નહીં
ગુજરાતમાં તલાટીની પરીક્ષા આગામી 7મી મેના રોજ યોજાશે. તે પહેલાં પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ કરીને ઉમેદવારોને સમયસર કન્ફર્મેશન આપવા માટે અપીલ કરી હતી. કન્ફર્મેશન આપવાનો છેલ્લો દિવસ 20 એપ્રિલ હોવાથી જેટલા લોકોએ કન્ફર્મેશન આપ્યું હશે તેટલા લોકોને જ પરીક્ષા આપવા દેવાશે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોને 12.30 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે.
કન્ફર્મેશન મળ્યું હશે તેને જ કોલલેટર મળશે
હસમુખ પટેલે કહ્યું હતું કે, તલાટીની પરીક્ષા પહેલાં અત્યાર સુધીમાં 6 લાખ જેટલા લોકોએ કન્ફર્મેશન આપ્યાં છે. જે લોકોએ હજી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ઉમેદવારોએ છેલ્લી ઘડીની રાહ ના જોવી જોઈએ અને ઝડપથી કન્ફર્મેશન આપવું જોઈએ. કોલ લેટરને લઈને તેમણે કહ્યું હતું કે, ઉમેદવારોને હોલ ટિકીટ પરીક્ષાના 8થી 10 દિવસ પહેલા આપવાના શરૂ કરાશે. જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે તેમની જ હોલ ટીકિટ ડાઉનલોડ થશે.
ગેરરીતિ કરનાર સામે પગલાં ભરાશે
તેમણે પરીક્ષા કેન્દ્રને લઈને કહ્યું હતું કે ઉમેદવારોને નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળે તેની કાળજી રાખવામાં આવશે.હાલ ચર્ચામાં આવેલા ડમી કાંડ મામલે હસમુખ પટેલે કહ્યું કે, ભુતકાળમાં બ્લેક લિસ્ટ થયેલી વ્યક્તિ પરીક્ષા આપી શકે નહીં. તેમજ તમામ માહિતીઓ પર નજર રાખી રહ્યા છે. જો કોઈ ગેરરીતિની માહિતી લોકો દ્વારા આપવામાં આવશે તો તેના પર પગલાં ભરીશું. હાલની પરીક્ષાઓમાં કોઈ પણ ગેરરીતિની માહિતી મળી નથી.
ડમી એજન્ટોના નામની માહિતી ડીજીપીને આપી છે
તેમણે ડમી ઉમેદવારોને લઈને કહ્યું હતું કે, તાજેતરમાં અમને ડમી ઉમેદવાર સહિત એજન્ટોના નામ મળ્યાં હતાં. તેની વિગતો ડીજીપીને આપી છે. જેના પગલે ભાવનગરમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, યુવરાજસિંહે મારી પાસે આવીને કેટલાક નામ આપ્યા હતાં. તેમણે સાત જેટલા નામ આપીને કહ્યું હતું કે, બાકીના નામો ઘરે જઈને આપું છું. તેમણે કેટલાક કોલ લેટર આપ્યા હતાં પણ તેની તપાસ કરતાં તેમાં કોઈ ડમી નહોતું. યુવરાજસિંહ તરફથી મળેલી માહિતી મેં ભાવનગર એટીએસને મોકલી હતી. અમારી પાસે વધુ માહિતી આવશે તો ચોક્કસ પગલાં ભરીશું.