ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં બાઈક લઈને ઘરે જઈ રહેલ બે મહિલા પોલીસ કર્મીઓને ગાયે અડફેટે લીધા હતાં. તે ઉપરાંત જંબુસરમાં પણ રખડતી ગાયે 6 વર્ષની માસૂમને સ્કૂલબેગ-વોટરબેગ સાથે શિંગડે ભરાવી રોડ પર ઢસડી હતી. હાઈકોર્ટે રખડતાં ઢોરને લઈને લાલ આંખ કરી હોવા છતાં નિંભર તંત્ર કશું જ કરવા તૈયાર નથી. ત્યારે ભાજપના જ નેતાએ ટ્વિટ કરીને સરકાર અને તંત્ર પર ઉભરો ઠાલવ્યો છે.
અમરેલીના ભાજપના નેતા ડો. ભરત કાનાબારે રખડતા ઢોર મામલે ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું હતું કે, આંતકવાદી ઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈનો હોય તો તે રખડતા ઢોરનો છે. જે ગમે ત્યારે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ લઇ શકે છે. સમગ્ર દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ ઝડપથી શોધે તેવું લોકો ઈચ્છે છે.રાજકોટમાં બે મહિલા પોલીસ કર્મીઓને રસ્તા પર રખડતી ગાયે અડફેટે લીધા હતાં. જેમાં એક મહિલાના દાંત તુટી ગયાં હતાં. બંને મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. બીજી ઘટનામાં જંબુસરમાં રખડતી ગાયે 6 વર્ષની માસૂમને સ્કૂલબેગ-વોટરબેગ સાથે શિંગડે ભરાવી રોડ પર ઢસડી હતી. સદનસીબે તે બેગના કારણે બચી ગઈ હતી. પરંતુ ભાવનગરમાં શુક્રવારે એક યુવાનને ગાયે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું.