યુપીના પૂર્વ સીએમ અને એસપી ચીફ તેમના ગુજરાત પ્રવાસ પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. તેમણે આ મીટિંગની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર પોસ્ટ કરી છે. અખિલેશની આ મુલાકાત પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે, જોકે અખિલેશ યાદવે શંકરસિંહ વાઘેલા સાથેની આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. આ પહેલા અમદાવાદ પહોંચીને અખિલેશે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, 'ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતને હાર્દિક વંદન! આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે ભાજપની સરકારોએ ગાંધીજીના અહિંસા અને સમરસતાના સિદ્ધાંતને બદલે એન્કાઉન્ટર અને બુલડોઝરની માનસિકતા અપનાવી છે, જે હિંસા અને નફરતના પ્રતિક છે. વરિષ્ઠ રાજકારણી શંકરસિંહ વાઘેલાજી સાથે પણ સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. મુલાયમસિંહના નિધનને લઈને શંકરસિંહ વાઘેલા સૈફઈ પહોંચ્યા હતા.
અખિલેશે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, 'ભાજપ સરકારે CBI, ED અને આવકવેરા વિભાગને વિપક્ષ માટે હથિયાર અને તેમના કારનામા અને કૌભાંડો માટે ઢાલ બનાવી દીધા છે. જનતા બધું જોઈ રહી છે અને પરિવર્તન માટે તૈયાર બેઠી છે.
આ પહેલા અખિલેશે કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દરોડાની પરંપરા કોંગ્રેસે શરૂ કરી હતી, ભાજપ પણ એ જ રસ્તે ચાલી રહી છે. અખિલેશે વધુમાં કહ્યું કે, 'મહાત્મા ગાંધીના દેશમાં બુલડોઝર અહિંસાનો માર્ગ અપનાવ્યો છે.'
અખિલેશના આ વલણથી સંકેત મળે છે કે તેઓ ચોક્કસપણે ભાજપની વિરુદ્ધ છે પરંતુ કોંગ્રેસ સાથે પણ જવા માંગતા નથી. આવી સ્થિતિમાં તેઓ ત્રીજા મોરચાનો ભાગ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોણ છે શંકરસિંહ વાઘેલા?
શંકરસિંહ વાઘેલા ગુજરાતના મજબૂત નેતા રહ્યા છે, ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ સામે ક્રોસ વોટિંગ કર્યું હતું. આ પછી તેમણે કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવી.
શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબી રાજકીય ઇનિંગ્સ રમનાર ક્ષત્રિય નેતા વાઘેલા ગુજરાતમાં બાપુ તરીકે જાણીતા છે. જો કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા