કાલોલના ગાર્ડન સિટી વિસ્તારમાં સ્થિત એક બંધ ઘરમાં 22/12/2020ની વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના પર વધુ પ્રકાશ પાડતાં સાબરતી ગેસ લિમિટેડે (SGL) જણાવ્યું છે કે 158 નંબરના ઘરમાં આ બ્લાસ્ટ થયો હતો, જોકે એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2019માં જ આ ઘરમાં પીએનજી ગેસનું કનેક્શન સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું અને લાંબા સમયથી તે ઘરમાં કોઈ ગેસ પહોંચતો નહોતો. કંપનીએ વધુમાં જણાવ્યું કે તેની બાજુમાં આવેલા ઘર નંબર 159 એ ક્યારેય પણ સાબરમતી ગેસ લિમિટેડનું પીએનજી કનેક્શન લીધું જ નથી.
પરિસ્થિતિ વિશે વધુ ચોખવટ કરતા કંપનીએ જણાવ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો હતો, તે ઘર નં.158માં SGL એ પીએનજી લાઇનને મીટરથી પ્લગ કરી હતી અને આ મીટર ઘરના રસોડાની બહાર લગાવવામાં આવ્યું હતું અને એકવાર 2019માં જ્યારે પીએનજી લાઈનનું આ પ્લગિંગ બંધ કરી દેવામાં આવ્યું, તો પછી તે ઘરમાં SGLની પાઈપલાઈનમાંથી ગેસ પ્રવેશ્યો હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
આજે થયેલી તપાસ મુજબ, SGLની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં પથરાયેલા તેના સમગ્ર નેટવર્કને સ્કેન કર્યું હતું અને ઘટનાસ્થળે ખોદકામ કરતા જાણવા મળ્યું છે કે SGLની પાઈપલાઈન એકદમ સાબૂત છે અને તેમાં કોઇપણ જાતનું લીકેજ જોવા મળ્યું નથી. આજની તપાસ પછી એવું પણ જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડની પણ કોઈ પાઈપલાઈન નથી.