રાજ્યના કુલ 207 ડેમમાં હાલ 58.40 ટકા પાણીનો જથ્થો, સરદાર સરોવરમાં 66.92 ટકા પાણી
રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં વરસાદે સટાસટી બોલાવી હતી. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે જળાશયોમાં પણ નવા નીર આવતાં ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની હવે કોઈ તંગી રહેશે નહીં.
રાજ્યના 207 ડેમમાં હાલ 58.40 ટકા પાણીનો જથ્થો
રાજ્યના 207 ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 63.12, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.73, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.34, કચ્છના 20 ડેમમાં 65.27, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 74.96 અને સરદાર સરોવરમાં 66.92 ટકા પાણીનો જથ્થો છે. જેથી રાજ્યના કુલ 207 ડેમમાં હાલ 58.40 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરેલા 72 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 15 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રખાયા છે. તે ઉપરાત 20 ડેમમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે બાકીના 99 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી હોવાથી તેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 119.90 ટકા, સૌરાષ્ટ્રમાં 92.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા, પૂર્વ ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ વરસ્યો છે.
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.