ગુજરાતમાં ગરમીએ લોકોને પારાવાર પરેશાનીઓમાં મુકી દીધાં છે. જેમ જેમ દિવસો જઈ રહ્યાં છે તેમ તેમ ગરમી ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે શુક્રવારના દિવસે ગુજરાતમાં અગનભઠ્ઠી જેવો દિવસ રહ્યો હતો. રણ તરફના ગરમ પવનોથી ઉત્તર ગુજરાતના લોકો ગરમીમાં શેકાયા હતાં. ઇડર 45.2 અને ડીસા 45.1 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જે આઠ વર્ષનો નવો રેકોર્ડ છે. અગાઉ 2011માં 46.5 ડિગ્રી નોંધાઇ હતી.
ઉ.ગુ.માં 1991માં 47.4 ડિગ્રી ગરમીનો રેકોર્ડ છે. શુક્રવારે કાળઝાળ ગરમીને લઇ લોકો રીતસર તોબા પોકારી ઊઠ્યા હતા. પાટણ જિલ્લામાં ખેડૂત સહિત બે લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે રહેતા પટેલ કાન્તીભાઇ અંબારામભાઇ (ઉ.વ.75) ખેતરમાં ગયા હતા ત્યારે અતિશય ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા. સુરેન્દ્રનગરમાં પણ પારો 45.5 ડિગ્રી નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, સોનગઢમાં ઝાપટાં પડ્યાં હતાં. રાજ્સ્થાન તરફથી ઉત્તર ગુજરાતમાં ફૂંકાઇ રહેલા સૂકા ગરમ લાહ્ય પવનના કારણે શુક્રવારે સવારે 8.30 કલાકે પારો 32 ડિગ્રી આસપાસ રહ્યો હતો. બપોરે તાપમાન 44 થી 45.2 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સાંજે પણ 43થી 43.5 ડિગ્રી રહેલા
તાપમાને ગરમીએ લોકોને ટોર્ચર કર્યા હતા. પાટણના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામેના 75 વર્ષીય પટેલ કાંતિભાઇ અંબારામભાઇ ખેતરમાં કામ કરતાં જ ઢળી પડ્યા હતા અને મોત થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સુધી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરાયું છે.