રાજ્યના વિકાસના કામો કરવા માટે રાજ્યની આવક ઓછી પડે ત્યારે જાહેર દેવુ કરવાની રાજ્ય સરકારને ફરજ પડે છે. એક વિશ્લેષણમાં એવુ તારણ નીકળ્યું છેકે, સરકારના જાહેર દેવામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. એટલું જ નહીં, જાહેર દેવાના વ્યાજની ચૂકવણીની રકમમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે એવી સ્થિતી છેકે, ગુજરાત સરકાર રોજનું રૃા.૯૦.૪૧ કરોડ દેવુ કરશે . ચાલુ વર્ષે રાજ્ય સરકારે પ્રજાલક્ષી બજેટ જાહેર કર્યાનો દાવો કર્યો છે પણ આંકડાઓનું વિશ્લેષણ કરતાં એવુ ફલિત થયું છેકે, છેલ્લા દસ વર્ષમાં બજેટમાં સતત વધારો નોંધાયો છે સાથે સાથે વિકાસલક્ષી કામોનો ખર્ચ પણ વધ્યો છે. જોકે, એ વાત પણ અત્રે નોંધવી જરૃરી છેકે, વિકાસલક્ષી કરતાં બિનવિકાસલક્ષી કામો પાછળ ભાજપ સરકારે ધૂમ ખર્ચ કર્યો છે . નિષ્ણાતોના મતે, ચાલુ ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકાર રૃા.૩૩૦૦૦ કરોડનુ જાહેર દેવુ એકત્રિત કરશે પરિણામે સરકારે માસિક દેવાના વ્યાજપેટે રૃા.૧૪૫૫ કરોડ ચૂકવવા પડશે. ભાજપ સરકારે જાહેરદેવાના રોજના વ્યાજપેટે રૃા.૫૨.૯૮ કરોડ ચૂકવાના રહેશે. આમ, વિકાસશિલ-ગતિશિલ ગુજરાત સરકારના રાજમાં જાહેર દેવુ વધી રહ્યું છે.