અમદાવાદની ઉદગમ સ્કૂલમાં યોગ્ય મેનેજમેન્ટનાં અભાવે મોર્નિંગ શિફ્ટનાં વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં દોઢ કલાક જેટલું બેસાડી રાખતાં વાલીઓ વિફર્યા છે. બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતાં બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ત્યાર બાદ આજે અચાનક જ વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. પરંતુ સ્કૂલે 10 જેટલા બાઉન્સરો ગોઠવીને પ્રવેશ આપ્યો નહોતો. ત્યાર બાદ પોલીસ દોડી આવી હતી. પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ આપ્યો હતો.ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યાં છે. જ્યારે ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી છે. તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે.ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે. આ મામલે વાલીઓ રજુઆત કરવા આવતા વાલીઓને રોકવા 10 કરતા વધુ બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે.આ અંગે અમદાવાદ શહેર DEOએ કહ્યું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, આવી કોઈ સંચાલકો દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નથી.આ અંગે સ્કૂલ સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું કે, વાલીઓએ સ્કૂલ વહેલી ચાલુ કરવા માટે કહ્યું છે. ધોરણ 6 થી 8 ના વર્ગો કાલથી શરૂ કરીશું. અન્ય વર્ગ તબક્કાવાર શરૂ કરીશું. ગઈકાલે બસ મામલે સમસ્યા થતા વિદ્યાર્થીઓને એક બાદ એક છોડવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટેશનમાં મોડું થયું હતું. સ્કૂલ બસનો કેટલાકને અનુભવ નથી, એટલે ડ્રાઈવર અને અન્ય સમસ્યાઓ થઈ હતી. હાલ સ્કૂલ બંધ કરી હતી. અમને સ્કૂલ બંધ કરવાની સાંજે પરવાનગી આપી શકાય ન હતી.