પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કરાયો છે. દિનેશ બાંભણિયા અને તેમના સાથી રાહુલ કારમાં અમદાવાદથી ગાંધીનગર જતા હતા. તે દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમની ગાડીને 30થી વધુ લોકોના ટોળાએ રોકીને હુમલો કર્યો હતો. જેમાં દિનેશની કારને ભારે નુકસાન થયું છે. દિનેશ અને રાહુલને માથામાં તેમજ શરીરના અન્ય અંગોમાં ઈજા પહોંતા માનસી હોસ્પિટલ લઈ જવાયા હતા.
હાર્દિક પટેલે આ હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, સોલાના ઉમિયાધામ ખાતેના ‘પાસ’ના કાર્યક્રમને બંધ રખાવવા માટે ભાજપે તેના ગુંડાઓ દ્વારા હુમલો કરાવ્યો છે. હુમલો કરનારાઓ પણ પટેલ સમાજના જ હોવાને કારણે હવે પટેલોમાં યાદવાસ્થળીની શરૂઆત થઈ ગઈ છે. વરુણ પટેલે જણાવ્યું કે, કલોલના ભાજપના કાર્યકર ધમભાઈ પટેલ અને અન્ય લોકોએ મને પણ ધમકી આપી હતી. આ જ લોકોએ દિનેશ બાંભણિયા અને રાહુલ પર હુમલો કર્યો છે. રાહુલને વધુ ગંભીર ઈજા થઈ છે જ્યારે દિનેશ બાંભણિયાને પણ માથામાં ફૂટ થવાથી ઘણું લોહી વહી ગયું છે. બાબુભાઈ માંગુકિયાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.