વિદેશ મંત્રી જયશંકર અને સાંસદ જુગલ ઠાકોરની રાજ્યસભામાં જીતને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી
, મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (15:16 IST)
વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીતને મામલે રાહત મળી છે. બન્ને નેતાઓની રાજ્યસભા ચૂંટણીમાં જીતને પડકારતી અરજીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસે વિદેશ મંત્રી અને રાજ્યસભાના સાંસદની જીતને પડકારતી કુલ ત્રણ અરજી હાઈકોર્ટમાં કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે આજરોજ ફગાવી દીધી છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલ ઠાકોર રાજ્યસભાની પેટા ચૂંટણી ગુજરાતમાંથી લડ્યા હતા અને તેમની સામે કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યા તેમજ ડો. ચંદ્રિકા ચુડાસમા હતા. જો કે ભાજપના બહુમતિ ધરાવતી ગુજરાત વિધાનસભામાં બન્ને સાંસદોની જીત નક્કી હતી. લોકસભા ચૂંટણી બાદ અમિત શાહ તેમજ સ્મૃતિ ઈરાનીનો વિજય થતા તેમણે ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતા આ બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની બે બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ત્યારબાદ બન્નેએ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પહોંચી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભાની પેટાચૂંટણીમાં એસ જયશંકર અને જુગલ ઠાકોરની જીતને પડકારતી કુલ ત્રણ ઈલેક્શન પીટિશન દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ પણ ઈલેક્શન પીટિશન દાખલ કરી હતી.
આગળનો લેખ