ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની દાવેદારી માટે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ 36 ધારાસભ્યો પોતાની સાથે હોવાના દાવા સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે અને પ્રભારી ગુરુદાસ કામત પાસેથી તાબડતોબ રિપોર્ટ મંગાવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ફરી એક વાર સપાટી પર આવ્યો છે. વસંત વગડોમાં પ્રભારી કામતની હાજરીમાં શંકરસિંહને કમાન સોંપવાની સાથે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાના શક્તિપ્રદર્શન મામલે રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે તેમ કોંગ્રેસના સૂત્રો કહે છે.
દિલ્હી હાઈકમાન્ડમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને કોઈ પણ સંજોગોમાં જૂથબંધી ચલાવી લેવાના મૂડમાં પક્ષ નથી. રાહુલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ પ્રભારી પાસેથી માંગ્યો છે. સાથે જ મિટિંગમાં હાજર રહેલા ધારાસભ્યોના નામોની યાદી પણ રજૂ કરવા પ્રભારીને કહેવાયું છે. હાજર રહેનારા ધારાસભ્યોના નામ મંગાવવામાં આવતાં કેટલાક ધારાસભ્યોમાં ફફડાટ ફેલાયો છે. મહત્ત્વનું છે કે, પ્રભારીએ આ રિપોર્ટ બે ત્રણ દિવસમાં હાઈકમાન્ડને સુપરત કરવાની બાંયધરી આપી હતી, પ્રભારીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ધારાસભ્યોની રજૂઆત સાંભળી છે અને તેમાં એકસૂર નીકળતો હતો કે, વિપક્ષી નેતાને પક્ષની કમાન સોંપવામાં આવે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે. શંકરસિંહે બંગલે અચાનક બેઠક બોલાવી ધારાસભ્યોને ફોનથી આમંત્રણ પાઠવ્યું હતું.