મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શાળાઓમાં છેલ્લાં કેટલાંય વર્ષથી કોઇ ઉચ્ચ પદાધિકારી તો છોડો, પરંતુ સામાન્ય કારકુનનો બાળક પણ ભણતો નથી તેનું કારણ ‘સ્માર્ટ લર્નિંગ’ના ઢોલ-નગારા વચ્ચે મ્યુનિસિપલ શાળામાં શિક્ષણનું સતત કથળી રહેલું સ્તર છે.
આજે પણ ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને સાદું ગુજરાતી પણ કડકડાટ બોલતાં કે લખતાં આવડતું નથી. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં ૪૬ હજારથી વધુ બાળકોનો ઘટાડો થયો છે. જોકે સત્તાવાળાઓ તો વિદ્યાર્થીઓની સતત ઘટતી જતી સંખ્યા માટેના કારણોમાં નાગરિકોની વધેલી આર્થિક સમૃદ્ધિને પણ ગણાવે છે.
જૂન ર૦૧પમાં મ્યુનિસિપલ શાળામાં ૧.૪૮ લાખથી વધારે બાળકો ભણતા હતા તે શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાના ૪૪૯૮ બાળકોએ પ્રવેશ લેતા કુલ સંખ્યા ૧,પર,૭૭૪ થવી જોઇએ તેના બદલે ૧૧પ૦૮ બાળક ઘટીને ૧,૪૧,ર૬૬ બાળક નોંધાયા હતા.
ત્યાર પછીના વર્ષમાં એટલે કે વર્ષ ર૦૧૬માં ૧૪,૭પ૯ બાળકોએ શાળા છોડી હતી. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સભ્ય ઇલિયાસ કુરેશી વધુમાં કહે છે, જે મ્યુનિસિપલ શાળાઓમાં જૂન ર૦૧૭માં ૧,૩૧,૩પ૩ બાળકો ભણતા હતા તેની સંખ્યા ચાલુ વર્ષે જૂન ર૦૧૮માં માત્ર ૧,ર૪,૪૮૪ બાળકોની થવા પામી છે.
જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળામાંથી કુલ પ૮૦૦ બાળકોએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો તેવો તંત્રનો દાવો છે પરંતુ ગત ઓક્ટોબર ર૦૧૮માં બાળકોની સંખ્યા ૧,ર૧,૮૮૮ની થઇ છે, જે ખરેખર ૧,૩૦,ર૮૪ બાળકો થવા જોઇએ.
છેલ્લાં ચાર વર્ષમાં ખાનગી શાળામાં કુલ ૧૯,૯૩૧ બાળકોએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લીધો તેવા તંત્રના દાવા છતાં પણ આટલા જ સમયગાળામાં કુલ ૪૬,૩૧૯ બાળકોએ શાળા છોડી હોય તો તેનું એક એકમાત્ર કારણ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં ચાલતી એક અથવા બીજા પ્રકારની ગેરરીતિ હોવાનો આક્ષેપ પણ ઇલિયાસ કુરેશીએ કર્યા છે.