નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ગૌહર બાગ વિસ્તારમાં આવેલી ફૂલોની દુકાનમાં રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કુતૂહલવશ જોવા લોકો ભેગા થયા હતા. ત્યારે દુર્ભાગ્ય દુકાનમાંથી ગેસના બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમા આગની ઘટના જોવા ઉભેલા યુવાન ઉપર કાટમાળ પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
ગૌહરબાગ વિસ્તારમાં કલ્પના ફ્લાવર નામની દુકાન આવી છે. જેમાં કામ કરતો કર્મચારી દુકાનમાં જ રસોઈ બનાવતો હતો. રોજ રસોઈ કરીને જમીને દુકાન બંધ કરી કારીગર અન્યત્ર રહેવા માટે જતો હતો. નિત્યક્રમ મુજબ ગઇકાલે રાત્રે પણ તેણે રસોઈ કર્યા બાદ ગેસનું રેગ્યુલેટર અને અન્ય વીજળીનાં ઉપકરણો બંધ કરી ઘરે ગયો હતો. ત્યારે રાત્રે 1થી 1:30 વાગ્યાના સુમારે દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા લોકોએ જોયા હતા.
દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન સચિન જીઆઈડીસી ખાતે આવેલી ફાર્મસી કંપનીમાં નોકરી કરતા અને તલીયા જીઆઈડીસી રોડ પર રહેતા 33 વર્ષીય શશીકાંતભાઈ પટેલ મિત્રને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ આ આગની ઘટના જોવા માટે ઉભા રહ્યા હતા. ત્યારે કાળ બની અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેનો લોખંડનો કાટમાળ શશીકાંતભાઈના માથામાં વાગતા સ્થળ પર જ કમાટીભર્યું તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના સ્થળ ઉપર FSL અને વીજળી વિભાગના અધિકારીઓ આવીને આગના કારણે તપાસ શરૂ કરી છે. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી