હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે. તેના પરિણામે વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા બે મોટા જળાશયો છલકાઇ ગયા છે. જો એક અંદાજ લગાવવામાં આવે તો આ બન્ને જળાશયોમાં રૂ. ૧૮કરોડની કિંમતનું પાણી સંગ્રહિત થયું છે. આટલી કિંમતનું પાણી કુદરતે વડોદરાને સાવ મફતમાં આપ્યું છે.
આ વાત બિલ્કુલ સાચી છે. કુદરતે આપેલા પાણીની કિંમત જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને આપવામાં આવતા રૂ.૬ પ્રતિ હજાર લિટરના દરે પાણીની કિંમતે આંકવામાં આવે તો રૂ. ૧૮ કરોડનું મૂલ્ય થવા જાય છે. પાણી પુરવઠા બોર્ડ વર્તમાન સમયે પ્રતિ એક હજાર લિટરે રૂ. ૬ નો ચાર્જ વસુલે છે.
વડોદરામાં આવેલા જળાશયોની સ્થિતિ જોઇએ તો દેવ ડેમમાં ગત્ત તા. ૧ જૂનના રોજ વોટર લેવ ૮૫.૧૪ મિટર હતું. તેમાં ડેમની કુલ ક્ષમતાના ૩૫.૭૨ ટકા એટલે કે ૮૫૭ એમસીએફટી જળરાશીનો સંગ્રહિત હતું. હવે તા. ૧૫ જુલાઈની સ્થિતિએ ડેમમાં પાણીનું સ્તર ૮૭.૮૭ મિટર છે. જ્યારે, તેમાં હાલની સ્થિતિએ ૧૫૭૫ એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે. સાદા શબ્દોમાં કહીએ તો દેવ ડેમમાં ૭૧૭.૯૦ એમસીએફટી નવું પાણી આવ્યું છે. આ જળરાશીની કિંમત પાણી પુરવઠાના દરે આંકવામાં આવે તો આ પાણીનું મૂલ્ય રૂ. ૧૨.૨૦ કરોડ થવા જાય છે. દેવ ડેમનો કુલ કમાન્ડ એરિયા ૧૧૦૧૭ કમાન્ડ એરિયા છે. જેમાં ખરીફ પાક માટે ૩૭૩૨ હેક્ટર, રવી સિઝન માટે ૧૫૦ હેક્ટર સહિત સિંચાઇ થાય છે.
એ જ રીતે વડોદરા શહેરમાં નર્મદા, માહિ ઉપરાંત આજવા જળાશયનું પણ પાણી વિતરણ કરવામાં આવે છે. હવે, આજવા ડેમમાં વરસાદ પહેલા પાણીનું લેવલ ૨૦૭.૨૦ ફૂટ હતું. અત્યારે મેઘરાજાની મહેરબાનીથી આ લેવલ હાલમાં ૨૦૯.૭૦ ફૂટ પહોંચી ગયું છે. તેમાં ૩૩૮ એમસીએફટી નવા પાણીનો સંગ્રહ થયો છે. આ પાણીની કિંમત ઉક્ત દરોએ રૂ. ૫.૭૪ કરોડ થઇ જાય. આ આંકડાનું વિશ્લેષણ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ. ડી. ગોહિલ તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ગિરીશ અગોલાએ કરી છે.
આ તો વાત થઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવતા ચાર્જની ! પણ, જો તમે બજારમાંથી ખરીદતા પેકેઝ્ડ ડ્રિકિંગ વોટરની કિંમત રૂ. ૧૫ કે રૂ. ૨૦ પ્રતિ લિટર દીઠની ગણો તો જળાશયોમાં સંગ્રહિત પાણીની કિંમત કરોડોને પણ વળોટી જાય ! રાજ્ય સરકાર આ પાણીની કિંમત સારી રીતે સમજે છે. એટલે જ છેલ્લા વર્ષોથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચલાવવામાં આવ્યું અને તેના પરિણામે વડોદરા જિલ્લામાં નાના અને મધ્યમ કદના જળાશયોની સંગ્રહશક્તિમાં વધારો થયો છે.
માનવી પાણી બનાવી શકતો નથી, એટલે એને બિનજરૂરી રીતે વેડફી નાખવાનો કોઇ અધિકાર નથી. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ સાચો સિદ્ધાંત છે. આપણી દૈનિક જીવનશૈલીમાં આ ટેવ વિકસાવવી જોઇએ. નાગરિકો સારી રીતે જાણે છે કે જળ એ જીવન છે, જો આપણે અત્યારથી જળસંરક્ષણનું ભગિરથ કાર્ય નહી કરીએ તો ભવિષ્યની પેઢીને માટે મુશ્કેલી સર્જાશે. વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે ત્રીજી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખતોવખતના પોતાના પ્રવચનમાં એક મહત્વપૂર્ણ વાત કરે છે કે ગુજરાતના બજેટનો એક મોટો હિસ્સો પાણી માટે ખર્ચ થાય છે. એ બજેટનો હિસ્સો શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબોના કલ્યાણ જેવી યોજનાઓમાંથી કાપીને આપવામાં આવે છે. ત્યારે, પાણીનો આપણે સૌએ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.