ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ પછી હવે ગુજરાતના માનનીય લોકલાડિલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નારદજીની સરખામણી ગુગલ સાથે કરતા કહેલ કે ગુગલની જેમ નારદમુની બધું જ જાણતા હતા. ગઈકાલે અમદાવાદ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્રના ઉપક્રમે નારદ જયંતિ નિમિતે યોજાયેલ પત્રકાર સન્માન સમારોહમાં શ્રી વિજયભાઈએ નારદમુનીની તુલના ગુગલ સર્ચ એન્જીન સાથે કરતા કહેલ કે નારદજી પાસે એ સમયમાં સમગ્ર દુનિયા વિશે માહિતી રહેતી હતી.
બરાબર એ જ રીતે આજે ગૂગલ સર્ચ એન્જીન લોકોને તમામ માહિતી પુરી પાડી રહેલ છે. આરએસએસની શાખા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ જયંતિના અવસર ઉપર પત્રકારોને નારદ એવોર્ડ આપતા શ્રી વિજયભાઈએ આ ઉચ્ચારણો કર્યા હતા. નારદજી સૌને માહિતી આપતા હતા, તેમાં પોતાનું ઉમેરતા નહોતા. આજકાલ પોતાનાં વિચારો થોપવાનાં પ્રયત્નો થઈ રહ્યાં છે. તટસ્થતાપૂર્વક તમારા વિચારો મૂકો, સત્યતાયુકત સમાચાર આપો. પત્રકારની પ્રતિષ્ઠા મહત્ત્વની હોય છે. દરેકની કસોટી ડગલેને પગલે થતી હોય છે. પૂર્વગ્રહથી ઉપર ઊઠીને વાત મૂકવાની છે. તો જ એકાંગી નિર્ણય નહીં આવે, સર્વગ્રાહી નિર્ણય લઈ શકશો. લોકશાહીમાં મીડિયાનો મહત્ત્વનો રોલ છે. મીડિયા પોતાનું કર્તૃત્વ બરાબર સંભાળે એ જરૂરી છે એમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે આયોજિત 'પત્રકાર સન્માન સમારોહ' પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, પત્રકારોને આજના સમયમાં કર્મયોગી કહીશું. આજનો સમય માહિતીનો છે. નારદ માહિતીના વ્યકિત હતા. પત્રકારો પણ દુનિયાભરમાંથી માહિતી મેળવીને એ માહિતી માનવજાતનાં કલ્યાણ માટે પૂરી પાડે છે. વર્તમાન સમયમાં ગૂગલ માહિતીનો સ્રેત છે ત્યારે નારદજીને ગૂગલ સાથે પણ સરખાવી શકાય. કમનસીબે આ ઋષિઓની વાત જ સમાજ સુધી સાચી રીતે પહોંચી નથી. જેમકે, માત્ર પત્રકારત્વ જ નહીં, કોઈપણ ક્ષેત્ર હોય તેમાં રહેલા વ્યકિતએ એટલો વિચાર કરવાનો છે કે, આપણા યોગદાનથી કોઈ નુકસાન તો નથી થતું ને? આપણે માનવજાતના કલ્યાણ માટે કામ કરવાનું છે.