ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ દેશની જાણિતી સહકારી સંસ્થામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેડની સામે ફોર્મ ભર્યું હતું. ભાજપે બિપિન ગોતાને મેન્ડેડ આપ્યું હતું. જેમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. તે ઉપરાંત ભાજપના કદાવર નેતા દિલીપ સાંઘાણી ચેરમેન પદે બિનહરિફ ચૂંટાયા હતાં. IFFCOની જેમ NAFEDમાં વિવાદ થાય નહીં તે માટે ભાજપે મેન્ડેડ જાહેર કર્યુ નથી. જેથી ગુજરાતમાં NAFEDના ડિરેક્ટરની ચૂંટણીમાં સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરિફ થયાં છે.
આ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી
NAFEDમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે.NAFED દ્વારા જારી કરાયેલી માન્ય નામાંકનની યાદી મૂજબ ગુજરાતમાંથી રાજકોટ બેઠક પર લોકસભાની ટિકીટ માટે જેનું પત્તુ કપાયું તે સાંસદ મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, આણંદના તેજસકુમાર પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ,ખેડા જિલ્લાના કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવીયા,સાબરકાંઠાના હિંમતનગરના મહેશભાઈ એમ સાત સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.
2019માં NAFEDની ચૂંટણીમાં મગન વાડવિયા બિનહરીફ થયા હતા
મોરબી પંથકની ખાખરાળા મંડળીના પ્રમુખ અને રાજકોટ જિલ્લા બેંકના ડાયરેક્ટર મગન વડાવિયા 2019માં NAFEDની ચૂંટણી યોજાતા તેમાં ગુજરાતની મંડળીની બેઠકમાં બિનહરીફ થયા હતા. આ વખતે તેઓ ફરી મેદાનમાં છે. જ્યારે મોહન કુંડારિયાએ આ વખતે પ્રથમ વખત NAFEDમાં ફોર્મ ભર્યું છે.ઇફ્કો ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થનમાં મોહન કુંડારિયા હતા માટે આ વખતની ચૂંટણીમાં રાદડિયા જૂથ મોહન કુંડારિયાના સપોર્ટમાં આવશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે.