થોડા સમય અગાઉ ભુજ શહેરમાં 11.50 કિલોગ્રામ ગાંજા અને ગાંજાના વેચાણમાંથી ઉપજેલી 10.76 લાખની રોકડ રકમ સાથે ઝડપાયેલાં અબ્દુલ ઊર્ફે અભાડો મામદ સુમરાની પૂછપરછમાં ગાંજાના નેટવર્કના તાર દેશના દક્ષિણ છેડા સુધી વિસ્તર્યાં છે. ભુજ બી ડિવિઝન પોલીસે ગત 24મી ફેબ્રુઆરીના રોજ હિસ્ટ્રીશીટર અભાડા અને તેના પુત્ર હનીફને બકાલી કોલોનીમાં આવેલા તેમના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યાં હતા.
અભાડો ગાંજાનો જૂનો અને જાણીતો વેપારી હોઈ સમગ્ર બનાવની તપાસ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને સુપ્રત કરાઈ હતી. પ્રાથમિક પૂછતાછમાં અભાડાએ પોતે સુરતથી ગાંજો લાવતો હોવાનું કબૂલ્યું હતું. અભાડો જેની પાસેથી ગાંજો ખરીદતો હતો તે અકબરશા ઊર્ફ મસ્તાનની એસઓજીએ ધરપકડ કરી હતી. અકબરશા અને અભાડાની સઘન પૂછતાછમાં બહાર આવ્યું હતું કે હકીકતમાં માલ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના ધારાકુંડા ગામે રહેતા 23 વર્ષિય બલરામ ઊર્ફ બુડુ કોમ્મુલુ કિલ્લો પાસેથી ખરીદવામાં આવતો હતો. જેના આધારે એસઓજીનો કાફલો આંધ્રપ્રદેશ જઈ બલરામને ઝડપીને કચ્છ લઈ આવ્યો છે.
આંધ્રપ્રદેશના જે ગામમાં બલરામ રહે છે તે વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. કચ્છમાં ગાંજાના નેટવર્કના મૂળિયા સુધી પહોંચવા તત્પર એસઓજીના કાફલાએ જીવના જોખમે આંધ્રના આ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સાહસિક ઓપરેશન હાથ ધરી બલરામને દબોચી લીધો હતો. આ ઓપરેશનમાં ભુજના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, અશ્વિન સોલંકી, સાજીભાઈ રબારી, મહિપતસિંહ સોલંકી વગેરે જોડાયાં હતા. આંધ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બિન્ધાસ્ત રીતે ગાંજાનું વાવેતર થાય છે. આરોપીઓ 1500 રૂપિયાના ભાવે બલરામ પાસેથી 1 કિલો ગાંજો ખરીદતા હતા. આ ગાંજાને ભુજમાં લાવી અભાડો પાંચ ગ્રામની પડીકી બનાવી બસ્સો રૂપિયામાં વેચાણ કરતો હતો. 1500 રૂપિયાના ગાંજામાંથી અભાડો અડધા લાખથી વધુ રૂપિયા કમાતો હતો.