આખું અમદાવાદ હાલ ક્રિકેટના રંગે રંગાયું છે. લગભગ મહિનો સુધી ટોચના ક્રિકેટરો શહેરમાં જ રહેવાના હોવાથી ક્રિકેટ ફિવરથી અમદાવાદનો પારો ઉંચકાયો છે. એમાંય આ વખતે બીજી ટેસ્ટમાં જીતના ઉન્માદ પછી સૌથી મોટા સ્ટેડિયમમાં ઉદ્ઘાટનની આતુરતા વધી ગઈ છે. મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધિવત ઉદ્ઘાટન કરવાના હોઈ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે છે.
આજે તેઓ ટેસ્ટ મેચ શરૂ થવા અગાઉ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ માટે સ્ટેડિયમની નજીક ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રમતગમત રાજ્યમંત્રી કિરણ રિજીજુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ગરિમામય કાર્યક્રમમાં મહાનુભાવોના વક્તવ્ય ઉપરાંત સ્ટેડિયમમાં નવનિર્મિત સ્પોર્ટ્સ એન્કલેવ તથા મોટેરા સ્ટેડિયમનની વિવિધ વિશિષ્ટતાઓને ઉજાગર કરતી શોર્ટ ફિલ્મ્સ પણ દર્શાવાશે. ડોમસ્થળેથી રાષ્ટ્રપતિ મોટેરા સ્ટેડિયમની ઉદ્ઘાટન તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરશે.
તેઓનો સ્પોર્ટ્સ એન્કલેવના મોડેલ અંગે જાણકારી મેળવવા ઉપરાંત –હોલ ઓફ ફેઈમની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે હોલ ઓફ ફેઈમમાં વિશ્વભરના નામાંક્તિ ક્રિકેટરોની તસવીરો પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત મોટેરામાં અત્યાર સુધી રમાયેલ તમામ મેચોની સ્મૃતિક્ષણો દોઢસો જેટલી તસવીરોમાં કંડારાયેલ છે. વર્ષ 2011ના વર્લ્ડ કપમાં મોટેરા ખાતે રમી ચૂકેલી તમામ ટીમોના ઓટોગ્રાફવાળા બેટનું પણ કલેક્શન આકર્ષણરૂપ છે.
બાદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સ્ટેડિયમ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે વાતચીત પણ કરશે. 1.10 લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં કોરોના ગાઈડલાઈન્સ અનુસાર કુલ ક્ષમતાની 50 ટકા તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે. ડ્રોન કેમેરા સહિત લગભગ 30 જેટલા હાઈટેક કેમેરાથી આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે. એ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.
મુખ્ય કેમેરા, સ્ટ્રાઈક ઝોન કેમેરા, ફિલ્ડ કેમેરા, રન આઉટ કેમેરા, હોક-આઈ કેમેરા જેવા વિવિધ કેમેરા પળેપળની ઉત્તેજના કેદ કરવા સજ્જ છે તો હજારોની સંખ્યામાં પ્રેક્ષકોની હાજરીની સંભાવનાના પગલે અંદાજ ત્રણ હજાર કાર તથા 10 હજાર ટુ-વ્હીલર્સ પાર્ક થઈ શકે એટલી વિશાળ જગ્યામાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મોટેરા સ્ટેડિયમ સહિત સમગ્ર સાબરમતી તથા ગાંધીનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હવે સૌને ઈંતેજાર છે આવતીકાલની ગૌરવપૂર્ણ ક્ષણોનો.
દરમિયાન ભારત અને ઈંગ્લેન્ડની બન્ને ટીમો નેટ પ્રેક્ટીસમાં વ્યસ્ત જોવા મળી હતી. મોટેરાની પીચનું પરફોર્મન્સ પણ ક્રિકેટ વિશ્લેષકો માટે અગત્યનો વિષય બની રહે છે. ડે-નાઈટ મેચ દરમિયાન સાંજના સમયે ફ્લડ લાઈટોમાંથી વહેનારો પ્રકાશનો ધોધ ચોતરફ ચાંદની પાથરી દેશે ત્યારે મેચ માણવાનો મોકો મેળવનાર ક્રિકેટરસિકો ચોગ્ગા-છગ્ગાઓને વધાવવા ઝૂમી ઊઠશે.