સુરતના ગોડાદરામાં તરુણીને લગ્નની લાલચ આપીને પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. રિક્ષાચાલકની ધો. 11માં અભ્યાસ કરતી પુત્રી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં તરછોડી દેતાં ગોડાદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય રિક્ષાચાલકની ધો. 11માં અભ્યાસ કરતી પુત્રીને વર્ષ 2021માં ફેસબુક પર ગોડાદરાના શ્રીજી આર્કેડમાં કપડાંની દુકાન ધરાવતા જયસિંહ કમલેશ યાદવ (રહે. શક્તિ વિજય સોસાયટી, મંગલ પાંડે હોલ નજીક, પાંડેસરા) સાથે મિત્રતા થઈ હતી.બંને વચ્ચે નિયમિત વાતચીત અંતર્ગત જયસિંહે પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શ્રીજી આર્કેડમાં આવેલા કાફેમાં લઇ જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. એપ્રિલ 2022માં પુત્રી ઘરે એકલી હતી ત્યારે જયસિંહ તેના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં પણ બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો. પુત્રીને માસિક નહીં આવતાં જુલાઇ 2022માં ડિંડોલીની જેક સ્પેરો ઓયો હોટલમાં લઇ જઇ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો હતો અને ગર્ભપાતની ગોળી આપી હતી. ત્યાર બાદ પણ બંનેએ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો, પરંતુ મિતાલીનાં માતા-પિતાને જાણ થતાં તેમણે જયસિંહનાં માતા-પિતાને પ્રેમસંબંધની વાત કરી હતી.જયસિંહનાં માતા-પિતાએ લગ્ન કરાવવાની લેખિતમાં બાંયધરી આપી હતી, પરંતુ ત્યાર બાદ જયસિંહે વાત કરવાનું બંધ કરી દેતાં મામલો પુનઃ જયસિંહનાં માતા-પિતા પાસે પહોંચ્યો હતો, પરંતુ તેમણે જયસિંહ અને યુવતીના લગ્ન કરાવવાનો ઇનકાર કરી તરછોડી દેતાં છેવટે યુવતીએ જયસિંહ કમલેશ યાદવ વિરુદ્ધ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.