અમદાવાદમાં જાહેરમાં છેડતીના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં બેફામ પણે મહિલાઓને અસામાજિક તત્વો હેરાન કરતાં હોવાની ફરિયાદો પોલીસ સુધી પહોંચી રહી છે. આવી ઘટનાઓ વધવાથી શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે.
અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં રહેતી મહિલાને તેના જ વિસ્તારના એક યુવકે કહ્યું હતું કે, બોલ તારો ભાવ શું છે. આટલું કહી યુવકે આ મહિલાને બાથમાં ભીડવાની કોશિષ કરી હતી. ગભરાઈ ગયેલી મહિલાએ યુવક વિરૂદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શાહપુરમાં રહેતી મહિલા રાત્રે આઠેક વાગ્યે ઘરનું કામ પતાવીને પોતાના ઘર પાસે બેઠી હતી. આ દરમિયાન તે પોતાની પાડોશી મિત્ર સાથે વાતો કરતી હતી. આ સમયે એક યુવક જોરજોરથી બિભત્સ ગાળો બોલતો હતો. મહિલાએ યુવકને ગાળો બોલવાની ના પાડતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાને તારો ભાવ શું છે કહીને છેડતી કરી હતી. એટલું જ નહીં યુવકે મહિલાને ઘરના દરવાજા પાસે જ બાથ ભીડવાથી કોશિષ કરી હતી. આ દરમિયાન બીજી મહિલાએ વચ્ચે પડીને યુવકને ગાળો નહીં બોલવા અને આ પ્રકારનું વર્તન નહીં કરવા જણાવતાં યુવક વધારે ઉશ્કેરાયો હતો. તેણે વચ્ચે પડનાર મહિલાનું ગળું પકડીને છરી બતાવી હતી. ગભરાઈ ગયેલી મહિલાઓએ બુમાબુમ કરતાં યુવક એવું કહીને જતો રહ્યો હતો કે હું તમને જોઈ લઈશ. આ બનાવને લઈને શાહપુર પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.