મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણના આ કાળમાં સર્જાયેલી સ્થિતીને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.
કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.