મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વૈશ્વિક શિક્ષણની વધુ એક નવતર પહેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના માધ્યમથી કરી છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુ.કે.ના સ્કોટલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગે ભારત અને વિશ્વને ગુજરાત રિસર્ચ, ઇનોવેશન અને ઉચ્ચદક્ષતા પ્રાપ્ત વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં પૂરા પાડી શકે તે હેતુસર ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOA સંપન્ન કર્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રત્યક્ષ ઉપસ્થિતીમાં થયેલા આ MOA એકસચેંજ સેરીમનીમાં બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડીયા એલેક્ષ, યુનિવર્સિટી ઓફ એડન બર્ગના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પિટર મેથીસન, ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફિક એડવાઇઝર પ્રો. કે. રાઘવન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આ MOAનું પરસ્પર આદાન-પ્રદાન રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુકલા અને ગુજરાત તથા રાજસ્થાન માટેના બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશનર પિટર કૂક વચ્ચે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ તકને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસનું રોલમોડેલ ગુજરાત ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રોના વિકાસ સાથે વર્લ્ડ કલાસ એજ્યુકેશન હબ તરીકે પણ ઊભરી આવ્યું છે. ગુજરાતમાં વિશ્વ સમકક્ષ બહુધા વિષયોના તજ્જ્ઞ શિક્ષણ-અભ્યાસ માટે રાજ્ય સરકાર સેકટર સ્પેસિફિક યુનિવર્સિટીના કન્સેપ્ટ સાથે આગળ વધી રહી છે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યની આવનારી પેઢીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વર્તમાન સમયની માંગ અનુસાર વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ આ નવિન પહેલ કરીને સ્કોટલેન્ડ યાર્ડ-યુ.કે.ની એડિન બર્ગ યુનિવર્સિટી સાથે તજ્જ્ઞ શિક્ષણ વ્યવસ્થાના MOA કર્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ MOAના પરિણામ સ્વરૂપે ઇનોવેટિવ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેકટરમાં વર્લ્ડ સાયન્ટીસ્ટ અને સબ્જેકટ એકસપર્ટના જ્ઞાનનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળતો થવાનો છે. વિજય રૂપાણીએ ગુજરાતને નોલેજ ડ્રિવન ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના બહુઆયામી ઉદેૃશ સાથે ધોલેરામાં G-SER એટલે કે સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન રાજ્ય સરકાર સ્થાપવાની છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારી, આનુવંશિક રોગ, કલાયમેટચેન્જ, ફૂડ સિકયુરિટીના ક્ષેત્રોમાં માનવજાત માટેની સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા બાયોટેકનોલોજીમાં છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ઇનોવેશન ઇકો સિસ્ટમનો વિકાસ કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી પણ શરૂ કરી છે. એટલું જ નહિ, બાયોટેકનોલોજી ક્ષેત્રને સંલગ્ન અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ બાયોસેફટી લેવલ-૩ લેબ સ્થાપવા આ વર્ષના બજેટમાં બે કરોડ રૂપિયાનું પ્રાવધાન પણ કર્યુ છે.
વિજય રૂપાણીએ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ઇડન બર્ગ વચ્ચેની આ સહભાગીતા એક નવું સિમાચિન્હ બનશે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. બ્રિટીશ હાઇ કમિશનર ટુ ઇન્ડીયા એલેકસે ગુજરાત સરકારની આ દૂરદર્શી પહેલ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિઝનનો વિશેષ ઉલ્લેખ કરી આનંદની લાગણી દર્શાવી હતી. બ્રિટીશ હાઇકમિશનરે જણાવ્યું કે, ગુજરાત એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલેન્ટમાં ભારતનું પાયોનિયર સ્ટેટ છે.
હવે, આ બે યુનિવર્સિટી વચ્ચેની સહભાગીતા સાયન્ટીફિક એકસલન્સમાં પણ ગુજરાતને વિશ્વસ્તરે લઇ જશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
એલેક્ષે તાજેતરની ચૂંટણીઓમાં જવલંત વિજય માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રેનુ સ્વરૂપ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, બાયોટેકનોલોજી મિશન ડાયરેકટર સચિન ગુંસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાયન્સ ટેકનોલોજી સચિવ હરિત શુકલાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ભાગીદારીથી મેડિકલ, ઇન્ડસ્ટ્રિયલ, એગ્રિલકલ્ચરલ અને એન્વાયર્મેન્ટલ બાયોટેક્નોલોજી જેવા વિષયોમાં ઇનોવેટિવ માસ્ટર્સ પ્રોગ્રામ્સ તેમજ ઇન્ડસ્ટ્રી સાથે સંકલિત પીએચડી પ્રોગ્રામ્સ ઉપલબ્ધ થશે અને આ તમામ પ્રોગ્રામ્સ 2021-22ના શૈક્ષણિક સત્ર માટે ચાલુ થશે.
ગાંધીનગર ખાતે સ્થપાનારી આ ઇનોવેટિવ અને મોડર્ન ઇન્સ્ટિટ્યૂશનમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ, વિઝિટિંગ ફેકલ્ટી, સ્ટુડન્ટ મોબિલિટીની સુવિધાઓ તેમજ વૈશ્વિક કક્ષાનું શૈક્ષણિક અને સંશોધન માટેનું વાતાવરણ ઊભું કરવા માટેની પોલિસીઓ પણ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ દ્વારા સાથે મળીને ઘડવામાં આવશે.
રાજ્ય સરકારની આ નવીન પહેલ દ્વારા ટ્રાન્સલેશનલ રિસર્ચને પ્રોત્સાહન મળશે અને દેશભરમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ માટે આ એક વિરાટ પગલું સાબિત થશે.