એક ફિલ્મ આવી છે જે ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું નામ છે પુષ્પા. કદાચ તમે પણ જોઇ હશે. પુષ્પામાં એક જંગલમાં થનારી લાલ ચંદનની તસ્કરી વિશે જણાવવામાં આવ્યું છે અને આ ફિલ્મી પડદા પર બતાવવામાં આવ્યું છે. ફિલ્મ પુષ્પામાં બતાવવામાં આવ્યું છે કે આ જંગલમાં લાલ ચંદનની કઇ રીતે તસ્કરી કરવામાં આવે છે અને લાલ ચંદન કઇ રીતે વેચવામાં આવે છે. તમને ફિલ્મની કહાણી, એક્શન ખૂબ જ ગમી હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારત સહિત ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ચંદનની ખેતી થાય છે. ગુજરાતમાં એક શહેર એવું છે જ્યાં ચંદનના હજારો વૃક્ષો આવેલા છે. અમે વાત કરી રહ્યા છે સંસ્કારીનગરી વડોદરાની.
વડોદરા શહેરમાં 2 જેટલા ચંદનના વૃક્ષો આવેલા છે અને ચંદનચોરોની હંમેશા તેના પર નજર હોય છે. ચંદનચોરો ખાસ દિવસ અને ખાસ ટ્રિક વડે ચંદનના વૃક્ષોની ચોરીનો પ્લાન ઘડે છે. આ વૃક્ષો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી અને કમાટીબાગમાં આવેલા છે. એમ.એસ.યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જ ચંદનનાં 800 વૃક્ષો આવેલા છે જ્યારે કમાટીબાગમાં ચંદનનાં 185 જેટલાં વૃક્ષો છે. વડોદરામાં ચંદનચોરો ખાસ દિવસ પસંદ કરે છે, જેમ કે કોઇ સળંગ જાહેર રજાઓ આવતી હોય, શહેરમાં પૂરની સ્થિતિ હોય અથવા ભારે વરસાદ હોય ત્યારે લોકોની અવરજવર ઓછી હોય અને રાત્રે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ચંદનચોરીને અંજામ આપે છે. ચંદનના વૃક્ષોના ચોરો માત્ર ચાર મિનિટમાં આ ચોરીને અંજામ આપે છે. એક વૃક્ષના લાકડાંના આશરે રુ. 6 લાખથી લઇને 42 લાખ સુધી ઊપજે છે. હાલ 40 એકરના કમાટીબાગમાં ત્રણ શિફ્ટમાં 39 સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવે છે. તેમછતાં છેલ્લાં 15 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનનાં 60 વૃક્ષોની ચોરી થઇ છે.
વડોદરા શહેરમાં મોટા ભાગની ચંદનચોરીની ઘટનાઓમાં આરોપીઓ ઝડપાતા નથી, કારણે કે તેઓ ચોરી કરી શહેરમાંથી ભાગી જાય છે, સાથે જ આ ચંદનચોરો પણ પોતાનું ખાસ નેટવર્ક બનાવીને કામ કરતા હોય છે અને બહારની વ્યક્તિને ચોરીમાં સામેલ કરતા નથી. જેથી તેમનું પગેરું શોધવું મુશ્કેલ બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટ 2019 અને 14 ઓગસ્ટ 2021ની રાત્રે ચંદનચોર બગીચામાં ઘૂસીને ચંદનના વૃક્ષને કાપીને થડ લઇને ભાગ્યા હતા પરંતુ સિક્યોરિટી ગાર્ડ જાણ થતાં તેમનો પીછો કર્યો હતો. જેથી તે થડ મૂકીને ભાગી ગયા હતા. ચંદનચોર વૃક્ષનું થડ ઊંચકીને ખૂનખાર મગરોથી ભરેલી વિશ્વામિત્રી નદી અંધારામાં પાર કરી નીકળી જાય છે. બની શકે કે ચંદનચોરોની એક ટોળકી નોનવેજ નાખીને મગરોને નદીના એક કિનારા તરફ ફેંકી એક તરફ કરી લેતા હોય છે.
ચંદનનું વૃક્ષ 20થી 25 વર્ષ જૂનું હોય તો તેનું વજન 600 કિલો જેટલું હોય છે. ચંદનનું વૃક્ષ તેના લાકડાથી ક્વોલિટી પ્રમાણે 6 લાખથી 42 લાખ રૂપિયા સુધીની કિંમતનું થઇ શકે છે. વડોદરામાં ચંદનનાં જે વૃક્ષો તેમાં હાલ સુધી કોઇપણ પ્રકારના રોગચાળો જોવા નથી મળ્યો અને બધાં જ સ્વસ્થ વૃક્ષો છે. વડોદરામાં હાલ સુધીમાં બે જ એવાં વૃક્ષો હતાં, જે તેની વયના કારણે મૃત થયાં હોય.
લાલ ચંદનનું ફર્નિચર, સજાવટ સામાન, પારંપારિક વાદ્યયંત્ર માટે માંગ વધુ છે. આ ઉપરાંત હિંદુ દેવી દેવતાઓની મૂર્તિ, ફોટો ફ્રેમ અને ઘરમાં ઉપયોગમાં લેવાતા ડબ્બા અને ઢીંગલીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાપાનમાં તો ખાસ વાદ્યયંત્રના લીધે આ લાક્ડાની માંગ છે. કહેવામાં આવે છે કે દવાઓ, અત્તર, ફેશિયલ ક્રીમ, સુગંધ અને કામોત્તેજક ઔષધિઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચંદનના લાકડાનું સૌથી વધુ કિંમત ઉપજે છે. ચીન, જાપાન, સિંગાપુર, યૂએઇ, ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં આ લાકડાની ખૂબ ડિમાન્ડ છે. પરંતુ સૌથી વધુ માંગ ચીનમાં છે.
ચંદનનીની ખેત પરથી પ્રતિબંધ હટાવ્યા હવે સરકાર ચંદનની ખેતી માટે પ્રતિ એકર 28400 ની સબસિડી આપે છે. તેના માટે વિભાગનો સંપર્ક કરી શકાય છે. ખેડૂત એક એકરમાં લગભગ 450 થી વધુ ચંદનના ઝાડ ઉગાડી શકે છે. ઝાડ વચ્ચે 12*15 ફૂટનું અંતર હોય છે. આ ખેતીમાં જમીનનો મોટો ભાગ ખેડૂત પાસે હોય છે. તેમાં તે ખેતી કરીને પૈસા કમાઇ શકે છે.