કલાકારો અને કસબીઓ અત્યારે મોટી મુસીબત માંથી પસાર થઇ રહ્યા છે..કલાકાર એ સરસ્વતી પુત્ર કહેવાય છે.. ફિલ્મ, નાટક, સંગીત, હાસ્ય, નૃત્ય સાથે જોડાયેલા ગુજરાત ના લાખો કલાકારો/કસબીઓના કામ ફરી પાછા ખુબ ઝડપથી શરૂ થાય તે માટે "મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ" નું એક ભવ્ય આયોજન તારીખ ૭ સપ્ટેમ્બર ( આજે ), સોમવારે સવારે ૯ થી રાત્રે ૯ એમ સતત ૧૨ કલાક સુધી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અનેક નામી અનામી કલાકારો સરસ્વતી મહામંત્રના અલૌકિક સ્વરો રેલાવશે.
ગુજરાતના જાણીતા કલા સંગઠનો જેવા કે સંગીત કલાકાર સંગઠન, ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટી, ઓલ મ્યુઝિક આર્ટીસ્ટ ફાઉન્ડેશન, મ્યુઝિક આર્ટીસ્ટ રીક્રીએશન ક્લબ, ગુજરાતી ફિલ્મ ટેલીવિઝન એન્ડ ઇવેન્ટ એસોસીએશન, સાઉન્ડ&સ્ટેજ લાઇટ્સ ઓનર એસોસિએશન રાજકોટ, સ્વરમ ફાઉન્ડેશન: પાટણ, મ્યુઝીક એલાઇન્સ એસોસિએશન : જામનગર, ડાઇવર્સિટી કલ્ચરલ એસોસિએશન : ઇન્ડીયા - કેનેડા અને મહેસાણા સાઉન્ડ એસોસિએશન દ્વારા આ અભુતપુર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અવિરત ૧૨ કલાક સુધી તબક્કાવાર ૭૨ જાણીતા ગાયક કલાકારો, અને ૪૮ જેટલા વાદ્યકારો દ્વારા સરસ્વતી મહામંત્ર ના અલૌકિક સ્વરો રેલાવવામાં આવશે. આ આખી ઘટના ન ભુતો, ન ભવિષ્યતી છે.
આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ આવી કપરી પરિસ્થિતિમાં કલાકારો અને કસબીઓ માનસિક રીતે અસ્વસ્થ ન થાય, તે સૌનું મનોબળ મજબુત થાય, સરકાર સુધી પણ કલાકારોનો આ હકારાત્મક અભિગમ પહોંચે, અને મા સરસ્વતીને દિલથી પ્રાર્થના થાય કે કલાકારો અને કસબીઓ ના કાર્યક્રમો સરકારી નિયમોને આધીન ફરી પાછા શરૂ થાય.
આજે સવારે ૯ થી રાત્રે ૯ દરમ્યાન દર કલાકે ૬ ગાયક કલાકારો અને ૪ વાદ્યકારો ના સથવારે અમદાવાદ ના ખાનપુર સ્થિત ભવન્સ કોલેજના ગીતા હોલથી કુલ ૭૨ ગાયક કલાકારો અને ૪૮ વાદ્યકરો સતત ૧૨ કલાક સુધી સરસ્વતી મંત્રના સ્વરો રેલાવશે. આ સમગ્ર ઘટનાનું જીવંત પ્રસારણ તિહાઇ ટોક, સંગીત કલાકાર સંગઠન, ઓલ મ્યુઝીક આર્ટીસ્ટ ફાઉન્ડેશનના ફેસબુક પેજ પરથી કરવામાં આવશે.