રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં 60 લાખ રાશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અનાજ વિતરણ પ્રક્રિયાને લઇને APL રાશનકાર્ડ ધારોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત, વડોદરા અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં લાભાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.