આજે ખેડૂતોએ પાણી ન મળતાં સરકાર સામે મોરચો માંડ્યો હતો. નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને નર્મદાનું પાણી ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સાણંદ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ટ્રેક્ટરમાં ગાંધીનગર ફરિયાદ કરવા જવાનું આયોજન કર્યું હતું. જોકે, ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે આગળ જતાં અટકાવી દીધી હતી. જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ અને ખેડતો વચ્ચે પથ્થરમારો થયો ત્યાર બાદ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘર્ષણમાં કેટલાય ખેડૂતો ઘવાયા હતાં. આ મામલે પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ફતેવાડી કેનાલમાંથી સાણંદ તાલુકાના ગામોને ખેતી માટે પાણી આપવામાં ન આવતાં ખેડૂતોએ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા હતા. રેથડ ગામ પાસે પહોંચેલી રેલીને આગળ જતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યાં પથ્થરમારો પણ થયો હતો. જેમાં અમદાવાદ રૂરલ SP રાજેન્દ્ર અસારી સહિત ત્રણ પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. રેલીમાં ખેડૂતો પર લાઠીચાર્જની સાથે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો આ કારણે વધારે મામલો બિચક્યો હતો. ખેડૂતો વિફરતાં પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જ્યારે ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. જેને પગલે ખેડૂતો વિર્ફ્યા હતા. આ ઘર્ષણમાં એસપી રાજેન્દ્ર અસારીને માથામાં પથ્થર વાગ્યો હોવાનું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.