ગુજરાત સરકાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે
ગાંધીનગર, , શુક્રવાર, 29 જૂન 2018 (17:39 IST)
નશાબંધીના કાયદાના ચુસ્ત અમલ માટે અને દારૂની ખતરનાક બદીને ડામવા માટે ગૃહ વિભાગે ગાંધીનગર-સ્ટેટ મોનીટરિંગ સેલની રચના કરી છે . રાજ્ય સરકારે નશાબંધીના કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે. એમાં મદદરૂપ થવા સરકારે નશાબંધી અંગેના સુધારાયેલા કાયદાના નવા નિયમો જાહેર કર્યા છે.
જેમાં નવી બાબત એ છે કે, સરકારે પ્રથમવાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. દારૂનું ઉત્પાદન, વેચાણ અને ખરીદી કરનારની માહિતી ગાંધીનગર-સ્ટેટ મોનીટરિંગ સેલને આપવામાં આવે તો માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી દારૂના ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની રચના કરવામાં આવી છે, જેના કંટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ ઉપર વોટ્સએપ અને SMS દ્વારા પણ નશાબંધી અંગેની માહિતી આપી શકાશે. જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની સરકારે ખાતરી આપી છે. રાજ્યમાં ટોલ-ફ્રી નંબર-14405 શરૂ કરાયો છે સાથોસાથ સ્ટેટ મોનીટરિંગ સેલનું ફેસબુક આઈ.ડી smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈ દારૂ બનાવે,વેચે,ખરીદે,પીવે તો http://tz.ucweb.com/6_1bnsL પર માહિતી આપવાની શકાશે.
દારૂનું ઉત્પાદન, ખરીદી, વેચાણ, હેરફેર કરવાના કિસ્સામાં હવે ૩ વર્ષને બદલે ૧૦ વર્ષની કેદની સજા અને રૂા. ૫ લાખના દંડની જોગવાઈ છે. દારૂના અડ્ડા ચાલતા હશે તો તેને ચલાવનાર કે તેને મદદગારી કરનારાઓને પણ ૧૦ વર્ષની સજા અને રૂા. ૧ લાખનો દંડ થશે. દારૂ પીને દંગલ કરનારને ૧ થી ૩ માસની કેદ અને રૂા.૨૦૦ થી રૂા.૫૦૦ નો દંડના બદલે ૧ વર્ષ કરતાં ઓછી નહિં તેટલી સજા અને દંડ અથવા બન્ને શિક્ષા થશે. ગુનેગારને નાસી જવામાં મદદગારી કરનારા અધિકારી કે અન્યો સામે ૭ વર્ષ સુધીની સજા અને રૂા.૧લાખનો દંડ કરાશે. અધિકૃત વ્યક્તિની ફરજમાં અડચણ કરવા કે તેમની ઉપર હુમલો કરવા બદલ ૫ વર્ષની સજા અને રૂા.૫ લાખનો દંડ થશે.
આગળનો લેખ