Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી કચરો સાફ કર્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી કચરો સાફ કર્યો
, મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (09:37 IST)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વ્યક્ત કર્યું દુખ; પરિસરમાં આટલી ગંદકી હોઈ જ કેવી રીતે શકે ?
 
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રના મ્યુઝિયમ સંકુલમાં મોટા પાયે સફાઈ કરી હતી. દીવાલો પરથી બાવા-ઝાળાં પાડ્યા હતા. પ્લાસ્ટિકની બોટલો, શીશી જેવો કુડો-કચરો વીણ્યો હતો.
 
રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ જઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આઘાત અને આંચકો આપનારી વાસ્તવિકતા તો એ છે કે, લેડી ગવર્નર દર્શનાદેવી સાથે રાજપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી સફાઈ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા ત્યારે પણ અને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠમાંથી એક પણ વ્યક્તિ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ નથી. આચાર્ય દેવવ્રતજીએ આવા અભિગમ સામે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે ઈચ્છાશક્તિ જોઈએ. જે પરિસરમાં 1400 જેટલા લોકો રહેતા હોય-ભણતા હોય એ પરિસરમાં આટલી ગંદકી હોઈ જ કેવી રીતે શકે ? તેમણે વિદ્યાર્થીઓને દરરોજ નિયમીત શ્રમદાન કરવા આહવાન કર્યું છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં 40 ટ્રક ભરીને કુડો-કચરો કાઢવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા ચાર ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. ચાર જેસીબી,  ટ્રેક્ટર પાવડી અને વોટર ટેન્કર સહિત 40 જેટલા સફાઈકર્મીઓ મોટા પાયે સફાઈ કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસ પહેલાં જ્યાંથી કચરો ઉપાડ્યો હતો, તે જગ્યાએ આજે તેમણે કોબીજ, રીંગણા, મરચાં, ટમેટા અને ડુંગળીના ધરુ વાવ્યા હતા.
 
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 20 મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું છે ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી છે. વર્ષ-1920માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જોઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે.
 
રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠને પૂજ્ય ગાંધીજીના આદર્શો અનુસાર બનાવવાના આ ઈમાનદાર પ્રયત્ન અને કર્તવ્યનિષ્ઠાથી જરૂર સફળતા મળશે. પૂજ્ય ગાંધીજીના વિચારો ઋષિ વિચારો છે, જેમાં ભારતીય જીવનમૂલ્યો છે. ગાંધીજીના વિચારો સત્યના વિચારો છે, જે હંમેશા અમર રહેશે. તેમણે કહ્યું હતું કે, સૌ સાથે મળીને આ અભિયાન ચલાવીશું તો વધુ દ્રઢતાપૂર્વક ગાંધીજીના આદર્શોનું પુનઃસ્થાપન કરી શકીશું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું, 11 પ્રતિબંધો વિશે જાણી લેજો નહીતર પસ્તાશો