સૌરાષ્ટ્રના ગારીયાધાર પાસે આવેલા પરવડી ગામમાં બનનારા ગૌધામ માટે સુરતમાંથી દાનનો અવિરત ધોધ વહ્યો હતો. કથાકાર રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમાં અને અનુભાઈ તેજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા નામકરણના કાર્યક્રમમાં ઉદાર હાથે સુરત-મુંબઈના ઉદ્યોગપતિઓએ અંદાજે 21 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું. ગારીયાધાર-પરવડી રોડ ખાતે વર્ષોથી અશક્ત, બીમાર અને ત્યજાયેલી ગાયોની સેવા કરતી ગૌ શાળા હતી. આ ગૌશાળાનું નવીનીકરણ કરવા માટે પ્રવિણભાઈ ખૈનીના અધ્યક્ષસ્થાને બનેલા ટ્રસ્ટ દ્વારા ગોધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત- મુંબઈમાં સહિત પરદેશમાં વસતા ઉદ્યોગપતિઓની સાથે નાના મોટા સૌ કોઈએ ઉદાર હાથે દાન કર્યું હતું. જેમાં 6 કરોડ 11 લાખનું દાન માધવજીભાઈ પટેલ લેન્ડમાર્ક દ્વારા નામકરણ માટે આપવામાં આવ્યું હતું. કથાકાર રમેશભાઈ ઓઝાએ 11 લાખનું દાન કર્યું હતું.