વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમનો આજે રાજકોટમાં કાર્યક્રમ છે. તેમના કાર્યક્રમ પહેલા એક મોટી ચૂકના સમાચાર સામે આવી રહ્યા છે. લાપસરી વિસ્તારમાં આવેલી સ્ટોન ક્રશર ફેક્ટરીમાંથી 1600 જિલેટીન સ્ટિક અને બ્લાસ્ટિંગ કેપ ગુમ થઈ ગઈ છે. આટલા જથ્થામાં સ્ટીક અને બ્લાસ્ટિંગ કેપની ચોરીથી ચકચાર મચી જવા પામી છે. કંપની માલિકની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને પોલીસે તેની તપાસ તેજ કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાજકોટમાં ઝોન 1ના ACP બીવી જાધવે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસે ક્રેશર ફેક્ટરીના માલિક ઇભાલભાઇ જલુની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ લાપસરી ગામમાંથી જીલેટીનના સાત બોક્સની ચોરી થઈ છે. આ ઘટના 6 ઓક્ટોબરની રાત્રે બની હતી. FIR નોંધાયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ, 1600 જિલેટીન સ્ટિક, 250 બ્લાસ્ટિંગ કેપ અને 1500 મીટર વાયરની ચોરી થઈ છે. તે જ સમયે, પોલીસે આઈપીસીની કલમ 454, 457 અને 380 હેઠળ કેસ નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલેટીન સ્ટીક સસ્તો વિસ્ફોટક પદાર્થો છે. તેનો ઉપયોગ બાંધકામ સંબંધિત કામોમાં થાય છે. તેનો ઉપયોગ રસ્તાઓ, રેલ્વે અને ટનલના નિર્માણ, ખાણકામ વગેરે માટે થાય છે. નક્સલવાદીઓ પણ તેમના હુમલા કરવા માટે તેમનો ઉપયોગ કરે છે.