રાજકોટમાં આપઘાત કરનારા યુવાનની માતાનું હૈયાફાટ રુદન, કહ્યું- 'સુધાના ત્રાસથી મારો દીકરો મર્યો
રાજકોટમાં ડ્રગ પેડલર સુધાનો આતંક
રાજકોટમાં અનેકવાર ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થો સાથે પકડાયેલી સુધા ધામેલિયા પોલીસના ચોપડે ચડી ચૂકી છે છતાં પણ તેનો આતંક શહેરમાં યથાવત્ છે. શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની તેની મોડસ ઓપરેન્ડી ચાલી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગઈકાલે સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે તેની માતાએ હૈયાફાટ રુદન કરતાં કહ્યું હતું કે સુધાના ત્રાસથી મારો દીકરો મર્યો છે. નફ્ફટ સુધા જયારે મારા દીકરાને મળવા આવી હતી ત્યારે મેં તેને અટકાવી તો મને બોલતી ગઈ કે ' મારી વિરુદ્ધ 51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે.' ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલાં સુધાના ત્રાસથી એક માતા મીડિયા સમક્ષ આવી હતી, તેનો પુત્ર પણ ડ્રગ્સની નાગચૂડમાં ફસાયો હતો. મીડિયાના અહેવાલ બાદ રાજકોટ પોલીસે અંતે સુધા સામે ફરિયાદ નોધી છે.
યુનિવર્સિટી પોલીસે IPC 306 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રોલના અને હાલ રાજકોટના ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડ (ઉં.વ.37) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષ્મણભાઈ તરત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં પ્રાથમિક તપાસમાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.
મૃતકના ભાઇ કિરણ ઉર્ફે કાનો રાઠોડે રડતાં રડતાં જણાવ્યું હતું કે સુધાએ મારા ભાઇને મારી નાખ્યો છે. વારંવાર ડ્રગ વેચવા સુધા દબાણ કરતી હતી, જોકે ડ્રગ વહેંચવા ના પાડતાં મને અને ભાઈને મારી નાખવા ધમકી આપતી હતી. પરમ દિવસે રાત્રે અમારા સુધા અને તેના માણસો સાથે અમને જાનથી મારી નાખવા આવ્યા હતા, પરંતુ મારા ભાઈએ દરવાજો ખોલ્યો નહોતો, જોકે આ બાદ મારો ભાઈ ગભરાઇ ગયો હતો અને તેને ગળેફાંસો ખાઇ લીધો હતો.