Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નિસર્ગ ચક્રવાતના પણ ભૂતકાળના 8 ચક્રવાત જેવા જ હાલ થયા

નિસર્ગ ચક્રવાતના પણ ભૂતકાળના 8 ચક્રવાત જેવા જ હાલ થયા
, બુધવાર, 3 જૂન 2020 (16:33 IST)
હજુ થોડા સમય પહેલા જ બંગાળની ખાડીમાં સર્જાયેલા અમ્ફાન વાવાઝોડાએ દેશને બાનમાં લીધો હતો ત્યારે હવે દેશ પર વધુ એક વાવાઝોડાનું સંક્ટ ઉભું થયું છે. હાલ અરબ સાગરથી આગળ વધી રહેલા ‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એલર્ટની સ્થિતિ છે. આ વાવાઝોડું ગુજરાતમાં ભાવનગરના દરિયા કિનારે અથડાય તેવી શક્યતા છે.નિસર્ગ વાવાઝોડાના કારણે ભાવનગરના 34 અને અમરેલીના 24 ગામોમાં ચેતવણી જાહેર કરી દેવાઈ છે અને નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યા છે. તટીય રાજ્ય હોવાના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાયેલું રહે છે પરંતુ છેલ્લા છ વર્ષમાં એક પણ તોફાન ગુજરાતના કિનારે નથી અફડાયેલું. અનેક વખત વાવાઝોડા ગુજરાતના કિનારા તરફ આગળ વધ્યા છે પરંતુ પહોંચી નથી શક્યા.
વર્ષ 2014 બાદ ગુજરાત પર આઠ વખત વાવાઝોડાનું જોખમ સર્જાયેલું પરંતુ દરેક વખતે ગુજરાત તેની લપેટમાં આવવાથી બચી ગયું છે. આ આઠ પૈકીના પાંચ વાવાઝોડા ચપાલા, નનૌક, અશોબા, સાગર અને વાયુએ પોતાની દિશા બદલી નાખેલી જ્યારે ઓખી, નીલોફર અને મહા આ ત્રણ વાવાઝોડાને દરિયાએ પોતાની અંદર સમાવી લીધા હતા.
અરબ સાગરના વાવાઝોડા મોટા ભાગે પાકિસ્તાન, મ્યાંમાર, બાંગ્લાદેશ અને ઓમાન જેવા દેશોમાં જઈને વિખરાઈ જાય છે. ચાલો જાણીએ ગુજરાત તરફ આગળ વધેલા પરંતુ દરિયા સાથે અથડાઈ ન શક્યા તેવા આઠ વાવાઝોડા અંગે.
નનૌક
13 જૂન 2014ના રોજ અરબ સાગરમાં વેરાવળથી 590 કિમી દૂર ભૂમધ્ય સાગરમાં નનૌક વાવાઝોડું સર્જાયું હતું. તેના કારણે તટીય ક્ષેત્રોમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી પરંતુ તે ઓમાન તરફ આગળ વધી ગયું હતું અને ગુજરાત જોખમમુક્ત બન્યું હતું.
નીલોફર
ઓક્ટોબર 2014માં અરબ સાગરમાં ઉચ્ચ વાયુ દબાણના કારણે નીલોફર વાવાઝોડું નિર્માણ પામ્યું હતું. તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર સંભવિત તોફાનની આશંકા હતી પરંતુ દરિયાની લહેરોએ નીલોફરને પોતાની અંદર સમાવી લીધું હતું.
અશોબા
જૂન 2015માં પૂર્વ પૂર્વ મધ્ય અરબ સાગરમાં અશોબા નામનું વાવાઝોડું સર્જાયેલું જે ઓમાન તરફ જઈને વિભાજિત થઈ ગયું અને ફરી એક વખત ગુજરાત બચી ગયેલું.
ચપાલા
2015ના ઓક્ટોબરમાં અરબ સાગરમાં ચપાલા વાવાઝોડાનું નિર્માણ થયેલું પરંતુ તે પણ અશોબાની જેમ ઓમાન તરફ વળી ગયું.
ઓખી
2017ના ડિસેમ્બરમાં ઓખી વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં કેર વર્તાવેલો. ત્યાર બાદ તે અરબ સાગરના રસ્તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ રસ્તામાં જ વિખેરાઈ ગયું હતું.
સાગર
17 મે 2018ના રોજ ગુજરાતના કિનારે સાગર નામનું વાવાઝોડું નિર્માણ પામેલું પરંતુ તે યમન તરફ ફંટાઈ ગયું હતું.
વાયુ
જૂન 2019માં અરબ સાગરમાં આવેલું વાયુ વાવાઝોડુ ખતરનાક સાબિત થઈ રહ્યું હતું. તે 120થી 160 કિમીની ઝડપે દીવ અને વેરાવળ વચ્ચેના કિનારા સાથે અથડાશે તેવું અનુમાન હતું પરંતુ તે પણ યમન તરફ વળી ગયું હતું.
મહા
7 નવેમ્બર 2019ના રોજ અરબ સાગરમાં સર્જાયેલા મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. તે દીવ અને પોરબંદર વચ્ચે અથડાવાનું હતું પરંતુ અરબ સાગરમાં જ નબળું પડીને દરિયામાં સમાઈ ગયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યોએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળતા ખળભળાટ