અમદાવાદ શહેરના એક પરિવારમાં બનેલા વિચિત્ર અકસ્માતમાં સૂતેલા પિતા પડખું ભરવા જતાં સૂતેલી 1 વર્ષની દીકરી પર પડ્યા હતા. જેને કારણે બાળકીની પેશાબની કોથળી ફાટી જતાં ડોકટરે બે કલાકની સર્જરી કરીને નવજીવન આપ્યું છે. ડોકટરનો દાવો છે કે, સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતમાં 3થી 5 વર્ષના બાળકના પેટની અંદર પેશાબની કોથળી ફાટી જવાના માત્ર ચાર કેસ નોંધાયેલા છે. જયારે પિતાના વજનને કારણે ફાટી જવાની સાથે લેપ્રોસ્કોપીથી પેશાબની કોથળી રિપેર કરવાનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ પિડીયાટ્રીક સર્જન્સના જોઇન્ટ સેક્રેટરી ડો. અમર શાહ જણાવે છે કે, વેજલપુરના મહેશભાઈ અને રમીલાબેન છ વર્ષ અને 1 વર્ષની બે બાળકી છે. 20 ઓગસ્ટે રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં પલંગ પર સૂતેલા પિતાએ ભરઊંધમાં પડખું ફરવા જતાં અચાનક નીચે સૂતેલી એક વર્ષની બાળકી પર પડી ગયા હતા. બાળકીએ રડારડ કરી મુકતાં માતા-પિતા ગભરાઈ ગયા હતા. જો કે, બાળકીને ફ્રેક્ચર ન જણાતા રાહત અનુભવી હતી. તેમજ ફેમિલી ડોક્ટરની સલાહથી દુખાવાની દવા આપતાં બાળકી સુઈ ગઈ હતી. જો કે, શનિવારે બાળકીનું પેટ ફુલી ગયું, તેમજ એકવાર પણ પેશાબ ન કરતા ફરીથી ડોકટર પાસે ગયા હતા. ડોકટરે સોનોગ્રાફી કરાવી જેમાં પાણી ભરેલું જોવા મળ્યું હતું. જેથી બાળકીને મારી પાસે મોકલી હતી. બાળકીનું સીટી સ્કેન કરાવતાં બાળકીના પેટમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણી ભરવાનો રિપોર્ટ આવતાં પેશાબની નળીમાં કેથેટર મુકયું પણ ટીપું પેશાબ ન આવતા યુરીનરી સિસ્ટમમાં ઇજા થયાનું જણાતાં તાત્કાલિક બે કલાકની કી-હોલ સર્જરી કરી. ફાટી ગયેલ કોથળીની સફળ સર્જરી કરી હતી.